Jammu Kashmir Encounter : જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં દેશને મોટું નુકસાન થયું છે. આ એન્કાઉન્ટરમાં કર્નલ, મેજર અને ડીએસપી સહિત ત્રણ અધિકારીઓ શહીદ થયા છે. અધિકારીઓની ઓળખ મેજર આશિષ ધોનક અને કર્નલ મનપ્રીત સિંહ, ડીએસપી હુમાયુ ભટ તરીકે થઈ હતી. કર્નલ મનપ્રીત સિંહ 19 રાષ્ટ્રીય રાઈફલ્સમાં તૈનાત હતા અને કમાન્ડિંગ ઓફિસર હતા. જમ્મુ-કાશ્મીરમાં 2020 પછી આ પહેલી ઘટના છે જેમાં અધિકારીઓએ જીવ ગુમાવ્યો હોય.
આતંકવાદીઓએ ગાઢ જંગલમાં ઘાત લગાવીને ઓચિંતો હુમલો કર્યો હતો. આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ અથડામણમાં 19 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધૌંચક અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ શહીદ થયા હતા. મનપ્રીત મોહાલીના અને મેજર આશિષ પાનીપતના અને ભટ કાશ્મીરના બડગામના રહેવાસી હતા.
લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા પ્રતિબંધિત રેજિસ્ટેંટ ફોર્સે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. અધિકારીઓનું માનવું છે કે આ એ જ આતંકવાદીઓ છે, જેમની સાથે 4 ઓગસ્ટના રોજ કુલગામના જંગલમાં અથડામણ થયું હતું. તેમાં 3 જવાનો શહીદ થયા હતા. કાશ્મીરમાં છેલ્લા ત્રણ વર્ષમાં આ સૌથી મોટો હુમલો છે.