મૂળી તાલુકાનાં નવાણીયા ગામનો યુવાન માત્ર અઢાર વર્ષની ઉમરે એરફોર્સમાં જોડાયા બાદ બે વર્ષ બાદ બંગાળના પાનાગઢ વિસ્તારમાં એક્સરસાઇઝમાં હતી. તે દરમિયાન કોઇ કારણસર શહિદ થતા સમગ્ર ક્ષત્રિય સમાજ અને નાના એવા નવાણીયા ગામમાં શોકની લાગણી ફેલાઇ છે. નવાણીયા ગામે રહેતા ધનરાજસિંહ દિગુભા પરમારનાં કુટુંબી ભાઇ શિવરાજસિંહ પરમાર આર્મીમાં હોવાથી ધનરાજસિંહ પણ નાનપણથી જ દેશ માટે કાંઇક કરી છુટવાની ભાવનાં સાથે તૈયારી કરતા હતા. અને પ્રાથમિક શિક્ષણ નવાણિયા મેળવ્યા બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ધ્રાંગધ્રા જઇ સાયન્સ વિષય સાથે 12 ધોરણ પુર્ણ કરી માત્ર 18 વર્ષની ઉમરે ધનરાજસિંહ પરમાર એરફોર્સમાં જોડાયા હતા.
તાલિમ બાદ પશ્ચીમ બંગાળનાં પાનાગઢ વિસ્તારમાં એલએસી રેન્ક સર્વિસ નંબર 973187 પર પોતાની ફરજ બજાવી રહ્યા હતા. શુક્રવારે એકસરસાઇઝ પર હતા તે દરમિયાન કોઇ કારણસર ધનરાજસિંહ શહિદ થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. માતા એ પતિ બાદ પુત્રની પણ છત્રછાયા ગુમાવી શહિદ ધનરાજસિંહનાં પિતા દિગુભા પરમાર અંદાજે દશ વર્ષ પહેલા મોતને ભેટ્યા હતા. આથી મોટા પુત્ર ધનરાજસિંહને નોકરી મળતા વિધવા માતા હર્ષઘેલા બન્યા હતા. પરંતુ આ ખુશી જાણે બે વર્ષ માટે જ હોય તેમ નોકરીનાં બે વર્ષબાદ ધનરાજસિંહ શહિદ થતા માતાએ પતિબાદ પુત્રની છત્રછાયા ગુમાવતા સમગ્ર પરીવારપર જાણે આભ તુટી પડ્યુ હતુ. રવિવારે અમદાવાદ એરપોર્ટ તેમનાં પાર્થિવદેહને લાવ્યા બાદ સાજે અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.