૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ નાગરિકોને સરળતાથી રસી ઉપલબ્ધ થાય તે માટે જિલ્લામાં કુલ ૧૨૮ વેક્સિનેશન બુથ કાર્યરત
તા.૨૧ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા કોરોના રસીકરણ મહાઅભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો. જેના ભાગરૂપે હારીજ શહેર ખાતે કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતીમાં પાટણ જિલ્લામાં રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. જ્યાં મંત્રી ઉપરાંત જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ રસીકરણની કામગીરી પ્રત્યક્ષ નિહાળી હતી.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારીની કામના સાથે રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા હતા.
નિષ્ણાંતોના મત મુજબ ત્રીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ શકે તેમ છે ત્યારે દરેક નાગરિક કોરોના પ્રતિરોધક રસી લે તે આવશ્યક છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું કે, સમરસ હોસ્ટેલો અને શાળાઓને કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યરત કરવા સહિતના રાજ્ય સરકારના દિર્ઘદ્રષ્ટીપૂર્ણ અને ત્વરિત નિર્ણયોના કારણે બીજી લહેર દરમ્યાન રાજ્યના નાગરિકોને સમયસર આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ થઈ.
સાથે જ સ્વૈચ્છિક સંસ્થાઓ અને ખાનગી કંપનીઓને કરેલી અપીલના પગલે જિલ્લામાં ૧૦,૦૦૦થી વધુ દવાઓની કીટ તથા ૨૦ ટન જેટલો ઓક્સિજનનો જથ્થો ઉપલબ્ધ બન્યો હતો.
બધાને વેક્સિન, મફત વેક્સિન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ધન્યવાદ પાઠવતાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે, ખાનગી હોસ્પિટલ્સમાં એક હજાર રૂપિયાની કિંમતે મળતી રસી ગુજરાતના પનોતાપુત્ર અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યની જનતા માટે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી છે.
ત્યારે પ્રત્યેક નાગરિકને સરળતાથી રસી ઉપલબ્ધ થાય તેની ચિંતા કરી રાજ્ય સરકારશ્રીની સુચનાથી તંત્ર દ્વારા પાટણ જિલ્લામાં ૧૨૮ જેટલા વેક્સિનેશન બુથ કાર્યરત કરવામાં આવ્યા છે.
કોરોનાની ત્રીજી લહેરમાં મૃત્યુદર ઘટાડી શકાય તે માટે તમામ નાગરિકોને રસી લેવા અને અન્ય લોકોને રસીકરણ માટે પ્રેરણા આપવા મંત્રીએ ઉપસ્થિત સૌને અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં રસીકરણ મહાઅભિયાન પર નિર્મિત ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સાથે સ્પોટ રજીસ્ટ્રેશન બાદ વેક્સિનેશનની કામગીરીને કેબિનેટ મંત્રી, જિલ્લા કલેક્ટર તથા અન્ય મહાનુભાવોએ પ્રત્યક્ષ નિહાળી હતી. આ ઉપરાંત જિલ્લામાં અન્ય ૨૪ સ્થળોએ વિવિધ પદાધિકારીઓ તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો.
આ પ્રસંગે હારીજ શહેર સંગઠન પ્રમુખ અને મહામંત્રી હારીજ નગરપાલિકાના પ્રમુખ સહિતના પદાધિકારીઓ, તાલુકા આરોગ્ય અધિકારીતથા ચીફ ઑફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા