ગત મોડી રાત્રે સ્કોર્પિયોમાં આવેલા ઈસમોએ લૂંટ ચલાવી.
કુરિયર ઓફીસ માં કર્મચારીઓને માર મારી તોડફોડ કરી.
IELTS પેપર ના 3 બંડલ ઉઠાવી ગયા શખ્સો.
સ્કોર્પિયો માં આવેલા કુલ 4 અજાણ્યા ઈસમો સામે નોંધાઇ ફરીયાદ.
ઓફિસ ઇન્ચાર્જ ભાવેશ પટેલે બી.ડિવિઝન પો.સ્ટે.માં નોંધાવી ફરીયાદ.
ઉત્તર ગુજરાતમાં વિદેશનો ક્રેઝ વધારે જોવા મળે છે, એમાં પણ મહેસાણા જિલ્લામાં સૌથી વધુ લોકો વિદેશમાં સ્થાયી છે અથવા તો એજ્યુકેશન અર્થે જતા હોય છે. ત્યારે જ્યાં સૌથી વધુ લોકો વિદેશ જાય છે ત્યાંથી વિદેશમાં ભણવા જવા માટેની IELTS(ઇન્ટરનેશલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ)નાં પેપરોની લૂંટ કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મહેસાણા શહેરમાં ગઈકાલે ગુરુવારે રાત્રિ દરમિયાન ગાડીમાં સવાર કેટલાક ઈસમોએ માલગોડાઉન રોડ પર આવેલી કુરિયરની ઓફિસમાં તોડફોડ કરી પેપરની ત્રણ બેગ લૂંટી ફરાર થયા હતા, જેથી સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.
મહેસાણા શહેરમાં આવેલા માલગોડાઉન રોડ પરના સરદાર પટેલ સંકુલ કોમ્પ્લેક્સમાં આવેલી બ્લૂ ડાર્ટ કુરિયર નામની ઓફિસમાં ગત રાત્રે 9 વાગ્યે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. એ દરમિયાન એક સફેદ સ્કોર્પિયોમાં ચાર જેટલા ઈસમ ઓફિસ આગળ આવી ઊભા રહ્યા હતા.
ગાડીમાંથી ત્રણ ઈસમે ધોકા અને લોખંડનો રોડ લઈને સીધા ઓફિસમાં ઘૂસી કર્મચારીઓ પર હુમલો કર્યો હતો, જેમાં ઓફિસમાં મૂકેલા કોમ્પ્યુટર, ટીવી સહિતની ચીજવસ્તુઓમાં તોડફોડ કરી હતી. બાદમાં બે ઈસમે ઓફિસમાં જ્યાં કુરિયર મૂકવામાં આવે છે ત્યાં જઈને IELTSનાં 3 પેપર બેગ ઉઠાવી ઓફિસમાંથી બહાર નીકળ્યા હતા. એ દરમિયાન કર્મચારીઓએ તેમને રોકવાનો પ્રયાસ કરતાં તેમને માર મારી ઘાયલ કર્યા હતા.
સમગ્ર મામલે ગાડીમાં લૂંટ કરવા આવેલા ચાર ઈસમો 25થી 30ની ઉંમરના હોવાનું સામે આવ્યું છે. ત્યારે લૂંટ કરી ગાડીમાં બેસી ઈસમો ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ મહેસાણા બી ડિવિઝન પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી. પોલીસે સમગ્ર મામલે હાલમાં ફરિયાદ નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે. હાલમાં રાત્રિ દરમિયાન પોલીસે ટોલનાકાના સીસીટીવીની પણ તપાસ કરી હતી અને જ્યાં લૂંટ થઈ એની આસપાસના પણ સીસીટીવી તપાસ્યા હતા.
હાલમાં પોલીસની 3 ટીમ આરોપીઓને શોધવા કામે લાગી છે તેમજ મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને મહેસાણા બી ડિવિઝન પોલીસે આરોપીઓને ઝડપવા ચક્રોગતિમાન કર્યાં છે.