Patan : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ રાણકીવાવની (Rani Ki Vav) મુલાકાત લેતા જણાવ્યું હતુ કે, પાટણની રાણકી વાવ એ ભારતીય સંસ્કૃતિનો અમુલ્ય વારસો છે. તેમજ કળા સ્થાપત્ય, ધર્મ,જ્ઞાન અને ઉપાસનાનો સમન્વય છે. પાટણની રાણકી વાવ. રાણકી વાવની સુંદરતા અને કલાકૃતિઓ જોઈને ખરેખર આનંદનો અનુભવ થાય છે. એ સમયના કારીગરોએ પણ કેવું ઉત્તમ કામ કર્યું છે તે રાણકીવાવ જોઈને કહી શકાય છે.
મંત્રીએ (Praful Panseria) રાણકી વાવની ઐતિહાસિક વિગતોની જાણકારી મેળવી હતી. તેમજ મુલાકાતે આવતા પ્રવાસીઓની આંકડાકીય માહિતી પણ મેળવી હતી. રાણકી વાવની મુલાકાત લીધા બાદ મંત્રીએ વિઝીટર બુકમાં વાવની મુલાકાત દરમિયાનનો પોતાનો અનુભવ પણ લખ્યો હતો.
મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પાટણની ઓળખસમા પટોળા હાઉસની મુલાકાત પણ લીધી હતી જ્યાં તેઓએ પટોળા બનાવતા કારીગરો સાથે વાતચીત કરીને પટોળા કઈ રીતે બને છે તેની સંપૂર્ણ માહિતી મેળવી હતી. મંત્રીશ્રીએ વિઝીટરબુકમાં લખ્યું હતુ કે, પાટણના પટોળા એટલે ભારતીય સંસ્કૃતિ અને કલાનો અદભૂત વારસો.ખૂબ જ બારીકાઈથી બનાવેલ પટોળાની કળા વર્ષો પુરાની છે. પટોળાની કળાને સાચવતા સાલવી પરીવારને અભિનંદન પાઠવીને હર્ષની લાગણી અનુભવું છુ.
આ મુલાકાત દરમિયાન મંત્રીની સાથે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, નગરપાલીકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, નાયબ વનસંરક્ષક બિંદુબેન પટેલ, જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથભાઇ ઠાકોર તેમજ પદાધિકારી અને અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.