Morocco Earthquake : મોરોક્કોમાં શુક્રવારે ખૂબ જ ભારે ભૂકંપ આવ્યો હતો, જેમાં 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. મોરોક્કોના આંતરિક મંત્રાલયે નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે, આ ભૂકંપમાં બે હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને 2 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં અનેક લોકોની હાલત ગંભીર છે. નિવેદન અનુસાર 2,012 લોકોના લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે અને 2,059 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 1,404 લોકોની હાલત ગંભીર છે.
મોરોક્કન જિયોલોજિકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા 7.2 હતી. જો કે, યુએસ જીઓલોજિકલ સર્વેએ તેની તીવ્રતા 6.8 જણાવી છે. એમ પણ કહ્યું કે 120 વર્ષમાં આ વિસ્તારમાં આવેલો આ સૌથી વિનાશક ભૂકંપ છે.

મોરોક્કન સ્ટેટ ટેલિવિઝનના અહેવાલ મુજબ ભૂકંપના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. ધરતીકંપનું કેન્દ્ર એટલાસ પર્વતની નજીકનું ઇધિલ ગામ હોવાનું જાણવા મળ્યું છે, જે મારાકેશ શહેરથી 70 કિલોમીટર દૂર છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી 18.5 કિલોમીટર નીચે હતી. ભૂકંપના આંચકા છેક પોર્ટુગલ અને અલ્જીરિયા સુધી અનુભવાયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરોક્કોમાં ભૂકંપથી જીવ ગુમાવનાર પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે એક્સ હેન્ડલ પર જણાવ્યું છે કે, ‘મોરોક્કોમાં ભૂકંપથી થયેલ જાનહાનિને કારણે અત્યંત દુ:ખ થયું છે. આ દુ:ખભરી ઘડીમાં મોરોક્કોના લોકો સાથે મારી સંવેદના છે. ભારત આ કઠિન પરિસ્થિતિમાં તમામ સંભવ મદદ આપવા માટે તૈયાર છે.’