- કેન્દ્રીય આરોગ્ય સચિવશ્રીની વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવઓ સાથે વીડિયો કોન્ફરન્સ
- રાજ્યમાં ૧૫થી ૧૮ વર્ષના બાળકોને આગામી તા. ૩જી જાન્યુઆરીથી વેક્સિન અપાશે : આરોગ્ય તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવાઈ – આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ
- રાજ્યભરમાં ૩૦ લાખથી વધુ બાળકોને અપાશે રસી : જિલ્લાકક્ષાએ શાળાઓમાં તથા હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત રસી અપાશે
- સિનિયર સિટીઝન તથા હેલ્થ વર્કસ અને ફ્રન્ટલાઈન વર્કસોને તા. ૧૦મી જાન્યુઆરીથી પ્રોત્સાહક ડોઝ અપાશે
- રાજ્યમાં પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે, દેશમાં ઓમિક્રોન વેરિએન્ટ અને ૧૫થી ૧૮ વર્ષના બાળકો તથા વયસ્કોને, હેલ્થકેર વર્કસ, ફ્રન્ટલાઈન વર્કસને પ્રોત્સાહક ડોઝ આપવા અંગે કેન્દ્રીય આરોગ્ય સચિવ દ્વારા આજે વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી સમીક્ષા બેઠકમાં રાજ્યો દ્વારા કરાયેલી વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
મનોજ અગ્રવાલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, રાજ્યભરમાં આગામી તા. ત્રીજી જાન્યુઆરી-૨૦૨૨થી ૧૫ થી ૧૮ વર્ષના બાળકો-વિદ્યાર્થીઓને કોરોના સામે રક્ષિત કરવા વેક્સિનેશન કામગીરી હાથ ધરાશે. જેમાં જિલ્લાકક્ષાએ આરોગ્ય અધિકારીઓને આયોજન કરવા સૂચના આપી દેવાઇ છે. આ માટે રાજ્યભરની શાળાઓમાં રૂટિનમાં જે વેક્સિનેશન કામગીરી ચાલી રહી છે. તેની સાથે સાથે આ વેક્સિનેશન અભિયાન હાથ ધરાશે. તેમજ હર ઘર દસ્તક અભિયાન ચાલે છે તેમાં પણ શાળાએ ન જતા ૧૫થી ૧૮ વર્ષના બાળકોને વેક્સિન અપાશે. આ માટે રાજ્યભરમાં ૩૦ લાખથી વધુ બાળકોનો ડેટા આરોગ્ય વિભાગ પાસે ઉપલબ્ધ છે તે તમામને આવરી લેવાશે. હાલ બાળકોને કોવેક્સિન આપવામાં આવશે. આ માટે પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો રાજ્ય સરકાર પાસે ઉપલબ્ધ છે.
અગ્રવાલે ઉમેર્યુ કે, રાજ્યના હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને સિનીયર સિટીઝનોને પણ પ્રોત્સાહક ડોઝ આપવાનો પણ કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. આ માટે પણ સંપૂર્ણ તૈયારી સાથે આયોજન કરી દેવામાં આવ્યુ છે.
તેમણે ઉમેર્યુ કે, જે લોકોએ બંને ડોઝ લીધા હોય અને ૩૯ અઠવાડિયાનો સમય થયો હશે તેવા નાગરિકોને પ્રોત્સાહક ડોઝ આપવામાં આવશે. હાલ રાજ્યમાં ૬.૨૪ લાખ હેલ્થ કેર વર્કર્સ અને ૩.૧૯ લાખ ફ્રન્ટ લાઇન વર્કર્સ મળી કુલ ૬.૪૦ લાખ લોકો રસી માટે પાત્ર છે. આ તમામને તા. ૧૦મી જાન્યુઆરીથી આ ડોઝ આપવાની કામગીરી હાથ ધરાશે અને જેમ જેમ લોકો પાત્ર થતા જશે તેમ તેમ તે તમામને આ પ્રોત્સાહક ડોઝ આપવાની કામગીરી હાથ ધરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઇ છે.
આ ઉપરાંત ૬૦ વર્ષથી ઉપરના વયસ્ક-સીનીયર સિટિઝનને પણ પ્રોત્સાહક ડોઝ આપવાનું નક્કી કરાયુ છે. તે સંદર્ભે રાજ્યમાં ૩૭ હજાર લોકો પાત્રતા ધરાવે છે. તે તમામને પ્રોત્સાહક ડોઝ તા.૧૦મીથી અપાશે. તેમજ જેમ જેમ વયસ્કો પાત્રતા ધરાવતા થશે તેમ તેમ તમામને આ પ્રોત્સાહક ડોઝ આપવામાં આવશે. રાજ્યમાં આજની તારીખે ૪૫ લાખ જેટલા વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. એટલે રસીનો જથ્થો પર્યાપ્ત છે અને જેમ જેમજરૂરિયાત થશે તેમ તેમ કેન્દ્ર સરકાર દ્વારા જથ્થો ઉપલબ્ધ કરાવાશે તેમણે ઉમેર્યુ હતુ.