ઘરઆંગણે જ ગ્રામજનોના પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ કરતાં જિલ્લા તેમજ તાલુકાના ઉચ્ચ અધિકારીઓ
લીમખેડાના દાભડા ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં રાત્રીસભા યોજાઇ
દાહોદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં શુક્રવારે રાત્રીસભા યોજાઇ હતી. જેમાં ગ્રામજનોને સરકારની વિવિધ જનકલ્યાણની યોજનાઓથી માહિતગાર કરાયા હતા અને ઘરઆંગણે જ તેમના પ્રશ્નોનું સંતોષજનક નિરાકરણ અધિકારીઓ દ્વારા કરાયું હતું. ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં રાત્રીસભામાં ઉપસ્થિત રહ્યાં હતા.
લીમખેડાના દાભડા ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઇ હતી. રાત્રીસભામાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, એસપી બલરામ મીણા, લીમખેડા પ્રાંત અધિકારી રાજ સુથાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ગ્રામજનોનું વિવિધ સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન કર્યું હતું.
કલેક્ટર ડો. ગોસાવીએ સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા ગ્રામજનોને જણાવ્યું હતું. જયારે ડીડીઓએ રવિવારે યોજાનારી કોવીડ મેગા વેક્સિનેશન કેમ્પનો લાભ સૌ ગ્રામજનોને લેવા જણાવ્યું હતું અને કોવીડના વેક્સિનના ડોઝ તેમજ પ્રીકોશન ડોઝ જેમના બાકી હોય તેમણે સત્વરે લઇ લેવા જણાવ્યું હતું. આ ઉપરાંત ગ્રામજનોના વિવિધ પ્રશ્નોનું સ્થળ પર જ ઉપસ્થિત અધિકારીઓએ નિરાકરણ કર્યું હતું.
ગત રોજ વિવિધ તાલુકાઓમાં યોજાયેલી રાત્રીસભામાં દાહોદમાં ખંગેલા ખાતે, દેવગઢ બારીયામાં ડાંગરીયા ખાતે, ગરબાડામાં નેલસુર ખાતે, સંજેલીમાં હીરોલા ખાતે, ધાનપુરમાં ધાનપુર ગામ ખાતે, ઝાલોદમાં મેલનીયા ખાતે, સીંગવડમાં રણધીકપુર ખાતે, ફતેપુરામાં માધવા ખાતે અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને ગ્રામજનોનું સરકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમજ તેમના પ્રશ્નો જાણીને તેનું નિરાકરણ કર્યું હતું.