ઇએમટી અને પાયલોટની માનવતાલક્ષી કામગીરીની સરાહના કરી પરિવારે આભાર વ્યક્ત કર્યો…
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઈમરજન્સી આરોગ્યની સેવા ઉપલબ્ધ બનાવવા સરકાર દ્વારા કાયૅરત કરવામાં આવેલ 108 એમ્બ્યુલન્સ સેવા જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ખાસ કરીને જિલ્લાના છેવાડાના લોકો માટે 108ની આરોગ્ય સેવા ખરેખર સરાહનીય બની હોવાનું છેવાડાના લોકો જણાવી રહ્યા છે. ત્યારે આજે ગુરૂવારે સવારે પાટણ જિલ્લાના સમી ખાતે કાયૅરત 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઈએમટી અને પાયલોટે પ્રસવ પીડા ભોગવતી મહિલાની એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી માતા અને પુત્રીને નવજીવન બક્ષ્યું હતું.
પાટણ જિલ્લાની સમી 108 સેવાને આજે ગુરૂવારે વહેલી સવારે હારીજ તાલુકાના ખાખલ ગામનો કોલ મળતા 108માં ફરજ બજાવતા ઈએમટી ધીરેન્દ્ર સોલંકી અને પાયલોટ અમરસંગ ઠાકર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઉપરાંત પ્રસવ પીડા ભોગવતી શિલ્પા નવીનભાઈ નામની મહિલાને હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
પરંતુ મહિલાને એમ્બ્યુલન્સમાં જ પ્રસવ પીડા ઉપડતાં ઈએમટી ધીરેન્દ્ર સોલંકીએ તેણીની નોમૅલ ડિલિવરી કરાવી પુત્રીને જન્મ અપાવી માતા અને પુત્રીને સીએસસી હારીજ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જેથી સમી 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઈએમટી અને પાયલોટની માનવતાલક્ષી કામગીરીને પગલે પ્રસુતા મહિલાના પરિવારજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.