HNGU

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા ૨૭ ડિસેમ્બરથી શરૂ થઇ રહેલી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર ૧, ૩ અને ૫ ની પરીક્ષાઓ ઓનલાઇન લેવામાં આવે તેવી વ્યાપક માગણી વિદ્યાર્થી આલમમાંથી ઉઠવા પામી છે, તેને અનુલક્ષીને કુલપતિ ડો. જે.જે.વોરાએ વધારાની ઓનલાઇન પરીક્ષા લેવી કે કેમ ? તે બાબતે નિર્ણય લઈ શકાય તે માટે કોલેજોના અધ્યાપકો અને ડીન સાથે આજે યુનિવર્સિટી ખાતે ઓફલાઇન અને ઓનલાઈન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વધારાની ઓનલાઈન પરીક્ષા લેવી કે કેમ એ એક મુદ્દાને લઈને કુલપતિ દ્વારા વિદ્યાર્થીઓની ઉગ્ર માંગ અને ભારે દબાણને અનુલક્ષીને ગુરુવારે ખાસ ઓનલાઇન બેઠક બોલાવવા પરિપત્ર કર્યો હતો.

આ પરિપત્ર અંતર્ગત આજે બપોરે બે વાગે કુલપતિની અધ્યક્ષતામાં ઓનલાઈન મીટીંગ યોજાઇ હતી. આ મિટિંગમાં કેટલાક અધ્યાપકો અને ડીન ઓનલાઇન જોડાયા હતા અને વધારાની ઓનલાઈન પરીક્ષા લેવી કે કેમ તે બાબતે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી તેમના મંતવ્યો વ્યક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે એનએસયુઆઇ દ્વારા ચાલુ મીટિંગ દરમિયાન કુલપતિનો ઘેરાવો કર્યો હતો જયારે કુલપતિએ મૌન સેવ્યુ હતુ.

કુલપતિ ડો વોરાએ યુનિવર્સિટીના અગાઉ નક્કી કરાયેલ ઓફલાઈન પરીક્ષાના કાર્યક્રમ મુજબ ઓફલાઈન પરીક્ષા ચાલુ જ હોવાનું જણાવીને વધારાની ઓનલાઇન પરીક્ષા યોજવા બાબતે નિર્ણય લેવા આ ખાસ મીટીંગનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું અને કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓનું હિત જોખમાય નહીં તેને ધ્યાનમાં રાખીને કોરોનાની ગાઈડલાઈનનું પરીક્ષા દરમિયાન ચુસ્ત પાલન થાય તે જોવા પણ અધ્યાપકોને અનુરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોથી એનએસયુઆઇની આગેવાનીમાં વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા લેવાની માગણીને લઇને હડતાળ કરી રહ્યા છે. આ માટે વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના વહીવટી ભવન આગળ ત્રણ દિવસ ભૂખ હડતાળ પણ કરવામાં આવી હતી, તેમ છતાં વિદ્યાર્થી હિતમાં કોઈ નિર્ણય નહીં લેવાતા એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવી દ્વારા કુલપતિને રૂબરૂ મળીને લંબાણપૂર્વક ચર્ચા અને રજૂઆતો કરવામાં આવી હતી અને તેના આધારે કુલપતિએ મંગળવારે સાંજે હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓ સમક્ષ આવીને ઓનલાઇન પરીક્ષાઓ લેવાય એ બાબતે કુલપતિ તરીકે પોતે હકારાત્મક હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું અને આ અંગે અધ્યાપકોએ પેપર સેટ કરવાના થતા હોઈ તેમની સાથે ખાસ બેઠક યોજી ચર્ચા વિચારણા કરીને ગુરુવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં યોગ્ય નિર્ણય લેવાઈ જશે એવી વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી.