સમૂહ લગ્નના આયોજક દ્વારા લગ્નગ્રંથિથી જોડાયેલા નવદંપતીઓને ભગવદગીતા અને તુલસીના ક્યારા ની ભેટ અર્પણ કરાઈ.
સમાજની વિભાવનાને ચરિતાર્થ કરવા સમૂહ લગ્નના દાતા પરિવારે પોતાની દીકરીને પણ સમૂહ લગ્નમાં પરણાવી.
સમાજની ઉન્નતી માટે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને નિરવ્યસની બનવા અપીલ કરવામાં આવી.
સમાજના જરૂરીયાત મંદ પરિવારની દીકરીઓ એક મંડપ નીચે સપ્તપદીના સાત ફેરા ફરી પોતાના નવ જીવનની શરૂઆત કરી શકે તેવા ઉદ્દેશથી સોમવારના રોજ પાટણ ડેર ગામના યુવા આગેવાન દરબાર મંગાજી પનાજી દ્વારા સમુહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
દરબાર મંગાજી પનાજી દ્વારા આયોજિત કરાયેલા આ સમૂહ લગ્નોત્સવ માં 35 નવદંપતિઓએ સમાજની સાક્ષીએ અને સમાજના રીતરિવાજ મુજબ સંતોના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલા માંડયા હતા.
સમૂહલગ્નમાં જોડાનાર તમામ નવદંપતીઓને દરબાર મંગાજી પનાજી દ્વારા હિન્દુ સંસ્કૃતિના મહાન ગ્રંથ ભગવતગીતા અને તુલસીના ક્યારા ની ભેટ ધરી સમૂહ લગ્નની વિભાવનાને ચરિતાર્થ કરવા તેમજ સમાજમાંથી કુરિવાજો અને ખોટા ખર્ચ બંધ થાય અને સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી વ્યસન મુક્ત બને તેવાં ઉદ્દેશ ને મંત્રમુગ્ધ કરવા પોતાની દીકરીને પણ આ સમૂહ લગ્નમાં સપ્તપદીના સાત ફેરા ફેરવીને સમાજમાં આગવો મેસેજ પ્રદાન કર્યો હતો. તેઓએ સમૂહલગ્નમાં જોડાનાર તમામ દીકરીઓ પોતાની હોવાનું જણાવી તેમને જ્યારે પણ કોઈપણ પ્રકારની જરૂરત ઊભી થાય ત્યારે તેઓના દરવાજા હંમેશા આ દીકરીઓ માટે ખુલ્લા રહેશે તેવું જણાવી સમાજને પણ આવા સમુહ લગ્નોત્સવના આયોજન કરી સમાજની વિભાવનાને ચરિતાર્થ કરવા અપીલ કરી હતી.
ડેર ખાતે દરબાર મંગાજી પનાજી દ્વારા આયોજિત કરાયેલા સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડ દેસાઈએ પણ રૂપિયા 51000 નું દાન લગ્નગ્રંથીએ જોડાયેલ નવદંપતીને અર્પણ કર્યું હતું.તો સમાજના દાતાઓ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પણ નવદંપતીઓને ફુલ નહિ તો ફુલ ની પાંખડી રૂપે દાન અપૅણ કરી સમૂહ લગ્ન માં સહભાગી બન્યા હતા.
સમૂહ લગ્નમાં લગ્નગ્રંથિથી જોડાયેલા નવદંપતીઓને સમાજના સંતોએ ઊપસ્થિત રહી રૂડા આશીર્વાદ આપી નવ જીવનની શુભકામનાઓ પાઠવી હતી.
ડેર ખાતે આયોજિત સમૂહ લગ્નોત્સવ ને સફળ બનાવવા સ્વર્ગસ્થ દરબાર પનાજી જોધાજી પરિવારના યુવા અગ્રણી દરબાર મંગાજી પનાજી સહિતના ગામના યુવાનો,વડીલો સાથે ભાજપ અગ્રણી વિનયસિંહ ઝાલા સહિતના આગેવાનો એ જહેમત ઉઠાવી પ્રસંગને દિપાવ્યો હતો.