પાટણ : નવાગંજની પેઢીમાંથી ઝડપાયો સસ્તા અનાજનો જથ્થો

રાજય સરકાર દ્વારા ગરીબ અને જરુરીયાતમંદ લોકોને બે ટંકનું ભોજન મળી રહે તેવા શુભ આશયથી દરેક જીલ્લાઓમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકોની મધ્યસ્થીથી તેઓના રાશનકાર્ડ પ્રમાણે અનાજનો જથ્થો ફાળવવામાં આવતો હોય છે પરંતુ સરકારનો આ ગરીબ લોકો સુધી જથ્થો પહોંચાડવાની જગ્યાએ સસ્તા અનાજના સંચાલકો તેનો બારોબાર કાળોબજાર કરી વેચી દેતા હોવાના બનાવો પણ પ્રકાશમાં આવતા હોય છે ત્યારે આજરોજ પાટણ નવાગંજ બજારના પ્લોટ નં.૩૯ના પટેલ નરેન્દ્રકુમાર જયંતિલાલ કાું.ની પેઢીમાંથી ર૦ બોરી ગરીબોને ફાળવાયેલો અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાનના સંચાલકે બારોબાર વેચી મારવાનો પ્રયત્ન કરતાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે આ કાળા કારોબારને ખુલ્લો પાડી તેને પકડી પાડયો હતો.

પાટણ શહેરના મોરમોરવાડા વિસ્તારમાં આવેલ એક સસ્તા અનાજની દુકાનના ગોડાઉનમાંથી વહેલી સવારે છકડા રીક્ષામાં ર૦ બોરી ઘઉં નાંખીને જતાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખને ધ્યાનમાં આવ્યું હતું. ત્યારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે આ ગરીબોનો અનાજનો જથ્થો કયાં સગેવગે થાય છે તેની તપાસ કરવા છકડાનો પીછો કર્યો હતો ત્યારે આ છકડો ગરીબોનો ર૦ બોરી ઘઉંનો જથ્થો પાટણ નવાગંજ બજારના પ્લોટ નં.૩૯ના પટેલ નરેન્દ્રકુમાર જયંતિલાલની પેઢીમાં ઠલવાતો હોવાનું માલુમ પડયું હતું. ત્યારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત કાર્યકરોએ મામલતદાર અને નાયબ મામલતદાર પુરવઠાને કરવાની કામગીરી જાતે કરી આ જથ્થાને પકડી પાડયો હતો.

ત્યારે આ બાબતે નવાગંજમાં હોબાળો થતાં પટેલ જયંતિલાલે શહેર પ્રમુખને જે હોય તે પતાવટ કરી દેવાનું જણાવી મામલો થાળે પાડવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ આમ આદમી પાર્ટી એક સ્વચ્છ અને પારદર્શક પાર્ટીની છાપ ધરાવતી હોવાથી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે મામલતદારને ટેલીફોનીક જાણ કરી હતી જેથી મામલતદાર સહિત નાયબ મામલતદાર પુરવઠા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓ દ્વારા ગરીબોનું અનાજ છીનવતા સસ્તા અનાજના સંચાલકો સામે કાયદેસરના પગલા ભરવા બી ડિવીઝન પોલીસને જાણ કરાતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારે મામલતદારે સસ્તા અનાજની દુકાનમાંથી ભરાયેલા ર૦ બોરી ઘઉંનો જથ્થો છકડા રીક્ષાા સાથે સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે પાટણ જિલ્લા મહિલા પ્રમુખે ગરીબોને સરકાર દ્વારા ફાળવવામાં આવતો અનાજનો જથ્થો સસ્તા અનાજના સંચાલકો દ્વારા ગરીબોને પુરતા પ્રમાણમાં ન આપી તેઓના ભાગનો કેટલોક હિસ્સો બારોબાર વેચી મારતા હોવાના કૌભાંડનો પ્રદાફાશ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હોવાનું જણાવી આ કામગીરી મામલતદાર અને નાયબ મામલતદાર પુરવઠાને કરવાની હોવા છતાં તેઓની મીઠી નજર હેઠળ સસ્તા અનાજના સંચાલકો છાટકા બની આ કાળો કારોબારો તેઓની રહેમ નજર હેઠળ જ કરતા હોવાના પણ આક્ષોપો કરવામાં આવ્યા હતા. ત્યારે પાટણ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્રં પટેલે સસ્તા અનાજની દુકાનનો સંચાલક કાળો કારોબાર કરવાનો જેટલો જવાબદાર છે તેટલો જ નવાગંજની પેઢીનો વેપારી પણ જવાબદાર હોવાથી તેની સામે પણ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી.