કોરોના મહામારી ને કારણે છેલ્લા ૧૮ મહિનાથી બંધ પડેલા ધોરણ ૬ થી ૮ ના સામાજિક વર્ગો ગુરુવારે વિદ્યાર્થીઓની સંખ્યા સાથે પુન: ધમધમતા થયા છે જિલ્લામાં ધોરણ ૬ થી ૮ ના વર્ગોનું શૈક્ષણિક કાર્ય સરકાર ની ગાઈડલાઈન મુજબ શરૂ થયું છે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ શાળા એ આવ્યા હતા.
સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર રીતે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરી વિદ્યાર્થીઓને વર્ગખંડમાં ઓફલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. સરકારે અગાઉ ધોરણ ૧ર થી કોલેજ કક્ષાના વર્ગખંડો શરૂ કરવાની મંજૂરી આપ્યા બાદ ધોરણ ૯ થી ૧૧ ના વિદ્યાર્થીઓ માટે પણ શાળાઓ શરૂ કરવાની સરકાર દ્વારા સૂચના આપવામાં આવી હતી . જેને પગલે હાલમાં સમગ્ર જિલ્લામાં ધોરણ ૯ થી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ વર્ગખંડોમાં ઓફલાઈન અભ્યાસ કરી રહ્યા છે.
જ્યારે સરકારે ફરી એકવાર ધોરણ ૬ થી ૮ ના વર્ગખંડો શરૂ કરવાની સૂચનાઓ શાળાઓને આપતા પાટણ શહેર સહિત જીલ્લામાં ધોરણ ૬ થી ૮ ના વર્ગખંડો ઓફલાઈન શરૂ થયા છે. છેલ્લા ૧૮ મહિનાથી બંધ રહેલા પ્રાથમિક શાળા ના વર્ગો શરૂ થતા વિદ્યાર્થીઓના કોલાહલથી શાળાઓ ગુંજી ઉઠી હતી.
વિવિધ શાળાઓમાં સરકારની ગાઇડ લાઇન મુજબ વિદ્યાર્થીઓને થર્મલ ગનથી સ્કેનિંગ કર્યા બાદ સેનેટાઈઝર કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો અને વર્ગખંડોમાં પણ સામાજિક અંતર જળવાઈ રહે તે રીતે વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.
જિલ્લામાં ધો.૬ થી ૮ ના શૈક્ષણિક વર્ગો શરૂ કરવામાં આવ્યા છે . શાળાઓમાં મધ્યાહન ભોજન હાલ બંધ છે.વિદ્યાર્થીઓને ઘરેથી જ નાસ્તો લાવવાની સૂચનાઓ શાળાઓ દ્વારા આપવામાં આવી છે અને વિદ્યાર્થીઓ વર્ગખંડમાં બેસી સામાજિક અંતર જાળવી નાસ્તો કરે તેવી પણ વ્યવસ્થા કરાઈ છે.