પાટણ શહેરના વિવિધ વિસ્તારો સહિત મુખ્ય બજાર માર્ગો પર રખડતાં ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો છે.ત્યારે આવા રખડતા ઢોરો અવાર નવાર રસ્તે જતા રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટમાં લઇ ને નાની મોટી ઈજાઓ પહોંચાડતા હોવાના કિસ્સા પણ બનતા હોય છે.
ત્યારે પાટણ શહેરના બગવાડા દરવાજાથી રેલવે સ્ટેશન તરફ જવાના માર્ગ પર સિટી પોઇન્ટ કોમ્પ્લેક્ષ આગળ નગરપાલિકા દ્વારા ડીવાઈડર વચ્ચે ઊભી કરાયેલી લોખંડની બંને સાઈડની એંગલોમાં એક રખડતી ગાય ફસાઈ જતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.
આ બનાવની જાણ પાટણના જીવદયા પ્રેમી બંટી શાહ અને ગોપાલ મિરચંદાણી સહિત અન્ય જીવદયા પ્રેમીઓને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે આવી લોખંડની જાળી વચ્ચે ફસાયેલી ગાયને કાઢવાનો પ્રયાસ હાથ ધર્યા હતો.પરંતુ લોખંડની જાળીમાંથી ગાય બહાર નીકળી ન શકતા આખરે નગરપાલિકાનું જેસીબી મશીન બોલાવી તેની મદદ વડે ગાયના શરીર ફરતે પટા બાંધીને મહા મુસીબતે ગાયને બહાર કાઢવામાં આવી હતી.
શહેરના મુખ્ય બજાર માર્ગ પર ડીવાઈડર વચ્ચે લોખંડ ની જાળીમાં ફસાયેલી ગાયને જોવા લોકોના ટોળેટોળાં ઉમટી પડતા બન્નો સાઇડના માર્ગો ઉપર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા.