પાટણ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બગવાડા વેકિસનેશન સેન્ટરની લીધી મુલાકાત

Patan : પાટણના શહેરીજનોમાં કોરોના વેકિસન લેવા માટેની અભૂતપૂર્વ એકાએક જાગૃતિ આવતાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત કરવામાં આવેલા તમામ વેકિસનેશન સેન્ટરો પર શહેરીજનોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે કાર્યરત કરવામાં આવેલા વેકિસનેશન સેન્ટર પર છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોનાની વેકિસન લેવા શહેરીજનોનો ભારે ઘસારો જોવા મળી રહયો છે.

ત્યારે શહેરીજનોની કોરોના વેકિસન લેવા માટે લાંબી-લાંબી કતારો જોવા મળી રહી છે ત્યારે આજરોજ શહેરના બગવાડા દરવાજા ખાતેના વેકિસનેશન સેન્ટરની રુબરુ મુલાકાત સીડીએચઓ અને ટીએચઓ દ્વારા લેવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ સહિત લોકોને જરુરી સૂચનો કરવામાં આવ્યા હતા.

ત્યારે બગવાડા દરવાજા ખાતે કોરોનાની વેકિસન લેવા આવતા લોકોમાં જાગૃતિના અભાવે દો ગજકી દૂરીનો અભાવ જોવા મળ્યો હતો. ત્યારે અહીં ફરજ પર મુકવામાં આવેલા ત્રણ હોમગાર્ડ બહેનો મોબાઈલમાં મશગુલ રહી એકજ બાજુ બેસીને સરકારનો ખોટો પગાર લેતા હોય તેવું પણ જોવા મળ્યું હતું. જોકે તેઓની ફરજમાં કોરોના વેકિસન લેવા આવતા લોકોમાં સોશીયલ ડિસ્ટન્સ જાળવવા સહિત વાહનો પાર્ક કરવા સહિતની જવાબદારી આવતી હોવા છતાં તેઓ માત્ર આખો દિવસ ખુરશી પર બેેસીને મોબાઈલમાં મશગુલ રહેતાં હોવાનું જોવા મળતાં સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા પણ ઉડતા જોવા મળ્યા હતા.

બગવાડા દરવાજાના વેકિસનેશન સેન્ટરની રુબરુ મુલાકાત લેવા આવેલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ પોતાની ફરજના ભાગરુપે વેકિસનેશન સેન્ટરની મુલાકાત લેવા આવ્યા હોવાનું જણાવી આરોગ્યની કામગીરી બાબતની ખાતરી કરી હતી અને હેન્ડવોશ બાબતે તેઓને પુછતાં આરોગ્ય વિભાગના કર્મીઓને હેન્ડવોશની સુવિધા વહેલી તકે પૂર્ણ કરવામાં આવવાનું જણાવી પાટણ જિલ્લામાં માત્ર ૪૧ ટકા જેટલું જ વેકિસનેશન થયું હોવાનું જણાવ્યું હતું અને જયાં સુધી સો ટકા વેકિસનેશન પૂર્ણ નહીં થાય ત્યાં સુધી વેકિસનેશનની કામગીરી કાર્યરત રહેશે તેમ પણ જણાવ્યું હતું.