પાટણ શહેરના ખાન સરોવર રોડ પર આવેલ ખાલકપરા વિસ્તારના જાહેરમાર્ગ પર છાશવારે ભૂગર્ભના ગંદા પાણી રોડપર રેલાતા સ્થાનિક રહીશો સહિત રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તેમછતાં વોર્ડ નં.૯ અને ૧૦ની વચ્ચે આવેલા આ વિસ્તારમાં છાશવારે અને વર્ષોથી ઉભરાતા ભૂગર્ભના ગંદા પાણીને લઈ સ્થાનિક નગરસેવકો પણ મૌન સેવતા સ્થાનિક લોકોમાં તેઓના પ્રત્યે રોષ જોવા મળી રહયો છે.
તો આજ વિસ્તારમાં મંદિર અને મસ્જિદ જેવા પવિત્ર ધાર્મિક સ્થળો આવેલા હોવાથી સ્થાનિક લોકોને મંદિર અને મસ્જિદમાં ભૂગર્ભના જાહેરમાર્ગ પર રેલાતાં ગંદા પાણીમાંથી પસાર થઈને જવાની ફરજ પડતાં તેઓની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે. તો આવતીકાલે મુસ્લિમ સમાજનો ઈદનો પવિત્ર તહેવાર હોવાથી અને ઈદગાહ જવાનો આ મુખ્યમાર્ગ હોવાથી આજ માર્ગ પર ભૂગર્ભના ગંદા પાણી રેલાતાં મુસ્લિમ સમાજમાં પાલિકાની બેદરકારી સામે પણ પ્રશ્નો ઉદભવવા પામ્યા છે.
ત્યારે ભાજપમાંથી ચૂંટાઈ આવેલા મુસ્લિમ સમાજના નગરસેવકોએ ઈદમાં નમાજ અદા કરવા જતાં શહેરીજનોની ધાર્મિક લાગણી ન દુભાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરી આ માર્ગમાં રેલાતા ભૂગર્ભના ગંદા પાણીનો તાત્કાલિક નિકાલ લાવી આ માર્ગની સાફ સફાઈ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. તો શું મુસ્લિમ સમાજમાંથી ચૂંટાઈ આવેલા કોપોરેટર પોતાની ફરજ અદા કરશે કે પછી રાજકીય રંગે રંગાશે.