પાટણ : ભગત કોમ્પ્લેક્ષ પાસે ભૂગર્ભનું ઢાંકણું રોડ લેવલનું કરવાની કરાઈ માંગ

- Advertisement -

This browser does not support the video element.

પાટણ શહેરના જુના બસસ્ટેન્ડની પાસે આવેલા સિંધી માર્કેટના ભગત કોમ્પ્લેક્ષની બહાર જે તે સમયે રોડના કોન્ટ્રાકટર દ્વારા નવીન રોડનું નિર્માણ થયા બાદ ભૂગર્ભના ઢાંકણાને રોડના લેવલે કરવાનું ભુલાઈ જતાં આજદીન સુધી કોન્ટ્રાકટરની ભૂલને લઈ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહયો છે.

ત્યારે હાલ ચોમાસાની ઋતુ હોઈ વરસાદ પડતાં આ ભૂગર્ભની ટાંકીની જગ્યામાં મોટો ખાડો પડી જવાના કારણે તેમાં વરસાદી પાણી ભરાઈ જતાં હોય છે જેથી ભગત કોમ્પ્લેક્ષમાં દવાખાનાઓ સહિત વેપારીઓ અને તેઓના ગ્રાહકો આ ભરાઈ રહેલા પાણીથી અજાણ હોઈ અવાર નવાર તેમાં પડી જવાના બનાવો કે અકસ્માત થવાના બનાવો પણ બનતા હોય છે.

ત્યારે આ સમસ્યાનું નિવારણ લાવવા ર૦ મી જુલાઈ ર૦ર૧ના રોજ ભગત કોમ્પ્લેક્ષના વેપારીઓ દ્વારા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને ઉદેશીને ગટરનું ઢાંકણુ રોડની સમાંતર કરવા માટેની લેખિત અરજી આપી હોવા છતાં આજદીન સુધી તેનો કોઈ ઉકેલ ન આવતાં દવાખાને આવતાં દર્દીઓ અને તેઓના સગા સંબંધીઓની સાથે વેપારીઓ અને રાહદારીઓ તેનો ભોગ બની રહયા છે. ત્યારે વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા આ ભૂગર્ભના ઢાંકણાને રોડ લેવલે કરી શહેરીજનોને આ તકલીફમાંથી છુટકારો આપવા વેપારીઓએ માંગ કરી હતી.

તો ભગત કોમ્પ્લેક્ષની બાજુમાં જ જાહેર માર્ગ પર વરસાદી પાણીનો કોઈ જ નિકાલ ન હોવાથી વરસાદ પડયા બાદ લાંબા સમય સુધી વરસાદી પાણી ભરાઈ રહેતાં તેમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાથી વેપારીઓ હેરાન પરેશાન થઈ રહયા છે અને મચ્છરજન્ય બિમારીને લઈ તેઓ રોગચાળાની ભીતિ પણ સેવી રહયા છે. જેથી ભૂગર્ભના ઢાંકણાને રોડ લેવલ કરવાની સાથે સાથે ભગત કોમ્પ્લેક્ષની બહાર ભરાઈ રહેતા વરસાદી પાણીનો પણ કાયમી નિકાલ કરી મચ્છરજન્ય બિમારીઓથી છુટકારો આપવા માંગ કરી હતી.