Patan : પાટણ જિલ્લામાં ગરમી નો દિવસે દિવસે પ્રકોપ વધી રહ્યો છે તો ગરમીના કારણે વાહનોમાં આગ લાગવાની ઘટના પણ સર્જાતી હોવાના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવી રહ્યા છે. મંગળવારના રોજ સાંતલપુર ના લોદરા પાસે આવેલ પેટ્રોલપમ્પ પાસે ગાડીમા પેટ્રોલ પુરાવ્યા બાદ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ગાડીમાં બેઠેલા ચાલક સહિત મુસાફરોનો આબાદ બચાવ થતાં લોકોએ હાસકારો અનુભવ્યો હતો.
આ બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા પાસે આવેલ પેટ્રોલ પમ્પ પર મંગળવારના રોજ ગાડીમાં પેટ્રોલ પુરાવ્યાં બાદ અગમ્ય કારણોસર ગાડી માં આગ ભભૂકી ઉઠતા પેટ્રોલ પંપ ના સંચાલકો સહિત ગાડીમાં બેઠેલા ચાલક અને મુસાફરોમાં સનસનાટી સાથે અફડા તફડી મચી જવા પામી હતી. તો ગાડીમાં અચાનક લાગેલી આગના કારણે ગાડીના ચાલક સહિત ના મુસાફરોએ સમય સૂચકતા વાપરી ગાડીમાંથી બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થવા પામ્યો હતો.
પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવ્યા બાદ ગાડીમાં આકસ્મિક રીતે લાગેલી આગને ઓલવવા પમ્પ પર રહેલ ફાયર ની અગ્નિ શામક સામગ્રી દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.