પાટણનાં ટી.બી. ત્રણ રસ્તાથી માતરવાડી જવાના માર્ગે પેટ્રોલપંપની બાજુમાં આવેલી શિવકૃપા સોસાયટીના મકાનોમાં ભૂગર્ભ ગટરો ઉભરાવવાનો લાંબા સમયથી ચાલતા પ્રશ્નની નગરપાલિકામાં અગાઉ ત્રણ ત્રણ વખત કરાયેલી રજૂઆતો બાદ પણ હજુ સુધી તેનો ઉકેલ નહીં આવ્યો હોવાના આક્ષોપ સાથે ગતરોજ ફરી એકવાર રહીશો ખાસ કરીને મહિલા વર્ગ કમળાબેન પટેલના નેતૃત્વમાં નગરપાલિકા ખાતે આવીને ચીફ ઓફીસરની ચેમ્બરમાં આવી હલ્લાબોલ કરીને છાજીયા લેવાની સાથે સાથે આક્રમક રીતે રજૂઆતો કરી હતી.
રજૂઆત કર્તાઓએ તેમની સોસાયટીમાં ભરાતા ભૂગર્ભ ગટરના પાણીના પ્રશ્નો આજે ને આજે જ આખરી ઉકેલ લાવવાની તાકીદ અત્રેનાં અધિકારીઓને કરી હતી ને જયાં સુધી તેનો નીવેડો ન લવાય ત્યાં સુધી નગરપાલિકામાં જ અડીંગો જમાવવાની ચિમકી આપી હતી.
તથા જો હવે કોઈ ઉકેલ ન આવે તો તેઓ કેરોસીનના ડબ્બા લઈને જ આવ્યા હોવાનું જણાવ્યું હતું. ચીફ ઓફીસરે આ માટે ભૂગર્ભ ગટર વિભાગના ઈજનેરને પણ બોલાવ્યા હતા તથા બે સુધરાઈ સભ્યો મહેશ પટેલ અને દેવચંદભાઈ પટેલ ઉપસ્થિત રહયા હતા. અગાઉની જેમજ ગટરો ઉભરાતી હોવાથી અત્રેના રહીશો પરેશાન થતાં હોવાની ઉગ્રતાપૂર્ણ રજૂઆતો કરી હતી.
જે અંગે ચીફ ઓફીસરે જણાવ્યું હતું કે અમે અહીં પંપ મૂકીને પાણી કાઢવાનું શરુ કરેલું છે તથા અહીં નવી ભૂગર્ભ ગટર લાઈન નાંખવાની ટેન્ડર પ્રકિ્રયા પ્રોસેસમાં હોવાનું જણાવીને ટેન્ડર ખુલ્યા પછી તુરત જ કામ શરુ કરીને કામગીરી ઝડપથી પુરી કરવાની ખાતરી પણ આપી હતી. પરંતુ રહીશોએ ચોથીવાર રજૂઆતો કરવા આવ્યા હોવાનો રાગ આલાપ્યો હતો.
અને હાય હાય ના નારા ગુંજાવી દીધા હતા. સાંજે જયાં પંપ મુકીને પાણી ખેંચવાની કામગીરી કરાતી હોવાનો દાવો નગરપાલિકાએ કર્યો હતો તેના ચેકીંગ માટે માણસોને રવાના કરાશે તેવી ખાતરી આપી હતી.
તેમ છતાં સ્થાનિક લોકોને પાલિકાના કર્મચારીઓ ઉપર વિશ્વાસ ન રહેતાં મોડા સુધી ચીફ ઓફિસરની ચેમ્બરમાં ધામા નાંખીન બેસી જતાં ચીફ ઓફિસર પોતાની ચેમ્બર છોડીને પલાયન થઈ જવા પામ્યા હતા. ત્યારે સ્થાનિક રહીશોએ જયાં સુધી શિવકૃપા સોસાયટીમાં ભૂગર્ભના ગંદા પાણીના પ્રશ્નનો નિકાલ નહીં આવે ત્યાં સુધી પાલિકામાં જ બેસવાની ચિમકી ઉચ્ચારી હતી.