સોના ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ ઉપર સરકાર દ્વારા બીઆઈએસ હોલ માર્કનો કાયદો ફરજિયાત કરવાનાં મામલે વેપારીઓ અવઢવમાં મુકાયા છે. સરકારના લાગું કરવામાં આવેલા કાયદાનાં વીરોધમા ગુજરાત ચોક્સી બજાર એસોસિએશન દ્વારા સોમવારે અપાયેલા બંધના એલાનને પગલે પાટણ ઝવેરી બજારના વેપારીઓએ સમર્થન આપી સંપૂર્ણપણે પોતાનાં ધંધા રોજગાર બંધ રાખી સુત્રોચ્ચાર કરી કાયદાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સોનાના દાગીના પર બીઆઇએસ નિયમ ફરજિયાત કરવામાં આવતા દરેક ઘરેણાં પર હોલમાર્ક યુનિક આઈડી નંબર નોંધાવવો જરૂરી બનાવ્યો હોય પરંતુ આ કાયદા ની વેપારીઓને સંપૂર્ણ પણે જાણકારી ન હોય અને આ કાયદાથી વેપારીઓની પરેશાની વધતી હોય જેના કારણે વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે.
સરકાર દ્વારા આ કાયદો રદ્ કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત ચોકસી એસોસિએશન દ્વારા સોમવારના રોજ સોના ચાંદીનાં વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વેપારીઓને પોતાના ધંધા રોજગાર સંપૂર્ણપણે બંધ રાખવા આદેશ કરતાં તેનાં સમર્થનમાં પાટણ ઝવેરી બજાર એસોસિએશનને પણ સોમવારના રોજ પોતાની દુકાનો બંધ રાખી સુત્રોચ્ચાર કરી સરકાર દ્વારા આ કાયદો રદ્ કરવામાં આવે તેવી માંગ કરી હોવાનું પાટણ ઝવેરી બજાર એસોસિએશનનાં સભ્યએ જણાવ્યું હતું.
