પાટણ શહેરમાં એકપણ વેપારી, લારી ગલ્લાવાળા, શાકભાજીવાળા, ફેરિયાઓ છુટક ફેરી કરનારાઓ અથવા તો જે વેપારીઓ સુપર સ્પ્રેડરની વ્યાખ્યામાં આવતા હોય તેવાઓ ઝડપથી વેકિસન લે તે માટે પાટણ નગરપાલિકા, પ્રાંત અધિકારી અને હવે તો સરકારે પણ રાજયવ્યાપી અભિયાન ચલાવ્યું છે. જે અંતર્ગત પાટણના વેપારીઓ અને સુપર સ્પ્રેડરો જો એ વ્યાખ્યામાં આવતા હોય તેઓ ૩૧મી તારીખ સુધીની ડેડ લાઈન દરમ્યાન વેકિસન નહીં લઈ લે તો તેઓના વેપાર ધંધા બંધ કરાવી દેવાની ચિમકી ઉચ્ચારી હતી.
તાજેતરમાં પાટણ નગરપાલિકા ખાતે વેકિસન લેનારાઓની સંખ્યામાં વધારો કરવા માટે પ્રાંત અધિકારીએ અને વેપારીઓએ બેઠક યોજી હતી. જેમાં સ્પષ્ટ પણે દરેક વેપારીઓને ચિમકી આપી હતી. પરંતુ ખાસ કરીને શાકભાજીના લારીઓવાળાઓ રસી લેવામાં ઉદાસીનતા દાખવી રહયા હોવાથી લાંબા સમયથી વેકિસન કાર્યક્રમ શહેરમાં સાત જગ્યાએ ચાલી રહયા છે છતાં પણ તેઓ વેકિસન લેવાનો સતત ઈન્કાર કરી રહયા હતા.
પરંતુ જયારે નગરપાલિકા, પ્રાંત અને હવે તો સરકારે રાજયવ્યાપી રીતે વેકિસન નહીં લેનારના વેપાર ધંધા બંધ કરાવી દેવાની ચિમકી આપતાં પાટણના તમામ વેકિસન સેન્ટરો ઉપર શાકભાજીની લારીઓ વેપારીઓ- ફેરિયાઓની મોટી લાઈનો જોવા મળી હતી. ત્યારે પોલીસ, આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની દરેક વેપારીઓ અને શાકભાજીના ધંધા રોજગારના સ્થળે જઈ ક્રોસ વેરિફિકેશન કર્યા બાદ જે સુપર સ્પ્રેડર ગણાતા લોકોએ રસી ન લીધી હોય તેઓને ૩૧મી જુલાઈ સુધી ફરજીયાત રસી લઈ લેવા અનુરોધ કરાતાં તેની સીધી અસર વેપારીઓ, શાકભાજી લારીઓવાળા અને ફેરીયાઓ ઉપર પડતાં છેલ્લી તારીખના દિવસે આરોગ્ય વિભાગ દવારા કાર્યરત કરાયેલા નવે નવ વેકિસનેશન સેન્ટર ઉપર સુપર સ્પ્રેડર ગણાતા લોકોની રસી લેવા માટે ભારે ભીડ જોવા મળી હતી.
તો મુખ્યમંત્રીના અધ્યક્ષાસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં વેકિસનેશન લેવાની સમય મર્યાદા ૩૧મી જુલાઈએ પૂર્ણ થતી હતી તે હવે તા.૧પ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે જેથી હવે સુપર સ્પ્રેડર ગણાતા વેપારીઓ, શાકભાજીના લારીઓવાળા તેમજ ફેરીયાઓને વધુ ૧પ દિવસનો સમય મળ્યો છે અને તે સમય દરમ્યાન તેઓએ વેકિસન લઈ લેવા રાજય સરકાર દવારા અનુરોધ કરવામાં આવ્યો છે.