પાટણ : દશામાતા વ્રતની પૂણાહૂતિને લઈ યોજાઈ મહાઆરતી

પાટણમાં પવિત્ર શ્રાવણ માસમાં વ્રતોનું વિશેષ મહત્વ રહેલુ છે. શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ દશામાના દસ દિવસીય વ્રતનો પ્રારંભ થાય છે. આ વ્રત દસ દિવસ સુધી ચાલે છે. પાટણ શહેરમાં પણ દર વર્ષે મોટી સંખ્યામાં મહિલાઆે દશામાનું વ્રત કરે છે. ૧૦ દિવસ એકટાણું અથવા નકરોડા ઉપવાસ કરી પાટણ શહેરના સિદ્ઘનાથ મહાદેવના મંદિર પરિસર ખાતે આવેલ દશામાતાના મંદિર પરિસરમાં વ્રતધારી મહિલાઆે દસ દિવસ પુજા અર્ચના કરી માની ભકિત કરે છે.

ત્યારે છેલ્લા દિવસે પણ મહિલાઓ મોટી સંખ્યામાં આવી વારા ફરથી પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે દશામાના વ્રત ના છેલ્લા દિવસે વહેલી સવારથીજ વ્રતધારી મહિલાઓ પૂજન અર્ચન માટે આવી હતી. તો સિદ્ઘનાથ મહાદેવના મંદિર પરિસર ખાતે આવેલ દશામાતા મંદિર પરિસરમાં રાત્રે માતાજીની ૧૦-૩૦ વાગે મહાપૂજા અને રાત્રે ૧ર વાગે ૧૦૮ દિવાની ભવ્ય મહા આરતી યોજાઇ હતી. ત્યારે મોટીસંખ્યામાં વ્રતધારી મહિલાઓ સહિત ભાવિકભકતોએ મહાઆરતીના દર્શનનો અનેરો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

તો જાયન્ટસ ગ્રુપ દ્વારા રપ૦૦ જેટલા પેકેટ બટાકાની વેફરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જાયન્ટ ગ્રુપના પ્રમુખ નટુભાઈ દરજી અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

તો દશામાતાના વ્રતના અંતિમ દિવસે જાગરણ હોવાથી પાટણ શહેરના વિવિધ મહોલ્લા- પોળો અને સોસાયટીઓમાં વ્રતધારી મહિલાઓએ દશામાતાના ગુણગાન ગાવા ડી.જે.ના તાલે ભકિતસભર ભાવથી માં ના ગરબે ઘુમી શ્રધ્ધા સાથે અનેરી ભકિત કરી હતી.