પાટણ : શ્રાવણ માસનો આજથી થયો પ્રારંભ

જીવ માત્રના ઉદ્ઘારક દેવાધી દેવ મહાદેવજીનાં ગગનભેદી નાદ વચ્ચે પવિત્ર પર્વ સમા શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ ગયો છે ત્યારે પાટણના શિવ મંદિરોમાં શિવ ભક્તો દ્વારા આખો શ્રાવણ માસ પુજા અર્ચના અને જલાભિષેકનાં ધાર્મિક ઉત્સવોનો આજથી પ્રારંભ થયો હતો.

સમગ્ર બ્રહમાંડ જેના ચરણમાં છે એવા દેવાધિદેવ મહાદેવ એટલે સમગ્ર વિશ્વના ઉધ્ધારક અને આેમકારના ઉચ્ચારણથી જીવમાત્રને પરમ સુખશાંતિ અને વૈભવ પ્રાપ્ત થાય છે. તો જેના લલાટમાં ચંદ્રમાં, જટામાં સ્વયં ગંગા અને ગળામાં શર્પ ધારણ કરી સમગ્ર વિશ્વનો વિનાશ કરવાની શકિત ધરાવતા અને વિષ પચાવનાર નિલકંઠને રિઝવવાનો સુવર્ણ અવસર એટલે પવિત્ર શ્રાવણ માસ. આેમકાર શબ્દના ઉચ્ચારણમાત્રથી માનવ જીવ અદભુત શાંતિનો અનુભવ કરે છે.

મહાદેવ માટે શાસ્ત્રોમાં એવું પણ કહેવાયુ છે કે, સૃષ્ટિના અધિષ્ઠાતા દેવ મહાદેવ છે જેના શરણમાં જવાથી જન્મ, મરણ, વૃદ્ઘાવસ્થા અને દરેક પ્રકારની આધી, વ્યાધિ અને ઉપાધીનાં કર્મના બંધનોમાંથી મુકિત મળે છે. ત્યારે સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો વિધીવત રીતે પ્રારંભ થઈ ગયો છે. જોગાનુંજોગ શિવજીનો પવિત્ર શ્રાવણ માસ તેમને પ્રિય એવા સોમવાર શરુ થયો છે તેથી તેનું મહત્વ વિશેષ વધી જાય છે. ચાતક પક્ષી જેમ મેઘની રાહ જુએ છે તેમ શિવજીના ઉપાસકો શ્રાવણ માસની પ્રતિક્ષા કરે છે.

આકાશમાંથી વરસાદનું એક ટીપુ પડતા જ ચાતક મહેકી ઉઠે છે તેમ શ્રાવણ માસની પધરામણી થતાં ભકતોના મનરુપી મયુર નાચી ઉઠે છે અને મુખમાંથી આેમ નમ:શિવાયના પંચાક્ષરી મંત્રો સરી પડે છે. ત્યારે પૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવભકતો શહેરના વિવિધ શિવાલયોમાં શિવજીની પૂજા અર્ચનાનો પ્રારંભ કર્યો હતો જેને લઈ શિવાલયો શિવનાદથી ગુંજી ઉઠયા હતા.
બીજી તરફ શ્રાવણ માસનું મહાત્મ સમજાવતા ભગવાન શિવજીના આરાધક અને વિદ્વાન બ્રાહમણે શ્રાવણ માસમાં માત્ર શિવજીને જળ ચઢાવવાથી જ જીવનો ઉધ્ધાર અને કલ્યાણ થાય છે માટે વર્ષમાં એકવાર આ મહિનામાં શિવજીની પૂજા અર્ચના કરવાથી જીવમાત્રને સ્વર્ગની પ્રાપ્તિ થતી હોવાનું સિધ્ધનાથ મહાદેવના પૂજારી આતુભાઈ મહારાજે જણાવી દેવાધિદેવ મહાદેવના શ્રાવણ માસના મહાત્મ્ય વિશે વધુ માહિતી આપી હતી.

આજથી શરૂ થયેલ પવિત્ર શ્રાવણ માસમાં સમગ્ર પાટણ શહેર સહિત દેશભરનાં શિવાલયોમાં શિવભકતોની કોરોના ગાઈડ લાઈન વચ્ચે ભગવાન શિવજીની પૂજા અર્ચના, બિલીપત્રો, દૂધ-પાણીના અભિષેક સાથે શ્રાવણ માસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.