રાધનપુર : ભાજપ પ્રમુખ પુત્ર સામે ન્યાય મેળવવા ૭૦ વર્ષની માતાનું ઉપવાસ આંદોલન

પાટણ જિલ્લાના રાધનપુર શહેર ભાજપ પ્રમુખ કલ્પેશ ઠક્કર દ્વારા પિતાના સ્વર્ગવાસ બાદ પિતાની તમામ મિલકત પચાવી પાડવા માટે સ્વર્ગસ્થ પિતા દ્વારા કરવામાં આવેલ વસિયત ની અવગણના કરી પોતાની જનેતાને માર મારી ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. કળિયુગી પુત્રએ તરછોડેલી માતાને દીકરી અને જમાઈ દ્વારા આશરો આપવામાં આવ્યો હતો.શહેર ભાજપના પ્રમુખ સામે ન્યાય મેળવવા ૭૦ વર્ષની માતા અને બહેન દ્વારા રાધનપુર નાયબ કલેકટર કચેરી બહાર ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.

રાધનપુર ના કલ્પેશ ઠક્કરના પિતા સ્વ. દેવચંદભાઈ ઠક્કરે પોતાના અવસાન પહેલા પોતાની સ્થાવર જંગમ મિલકત બાબતે વીલ કર્યું હતું જેમાં તમામ મિલકત પોતાની પત્ની પ્રેમીલાબેન ના નામે કરવામાં આવી પિતાના અવસાન બાદ કરોડોની સંપત્તિ પચાવી પાડવા માટે કળિયુગી પુત્રએ ૭૦ વર્ષની વૃદ્ધ માતાને માર મારી પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકી હતી.

છેલ્લા છ માસથી દીકરી અને જમાઈ ના આશરે રહેતી માતાએ ન્યાય મેળવવા માટે સરકારી અમલદારો પાસે રજૂઆતો કરી હતી પરંતુ કલ્પેશ ઠક્કર સત્તાધારી પક્ષનો હોદ્દો ધરાવતા હોવાને કારણે સરકારી અમલદારો પણ ૭૦ વર્ષની માતાના આસુ રોકવા માટે કોઈજ મદદ કરી કરી શક્યા નથી.

રાધનપુર ખાતે આવેલ વેદાંત સોસાયટીની મિલકત સ્વ. દેવચંદભાઈ ઠક્કર ના નામે હતી જે મિલકત તેમની પત્નીએ વિલ આધારે પોતાના નામે કરાવી હતી જેના વિરુદ્ધ કલ્પેશ ઠક્કર દ્વારા રાધનપુર નાયબ કલેકટર કચેરી ખાતે અપીલ કરવામાં આવી હતી પરંતુ અધિકારી દ્વારા ન્યાય આપવામાં નહીં આવે તેવી દહેશત વચ્ચે અગાઉથીજ પ્રેમીલાબેન દ્વારા ન્યાય મેળવવા માટે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. જેને લઇને તા.૮મી ઓગસ્ટના સવારથી પ્રેમીલાબેન અને તેમની દીકરી ભાવનાબેન દ્વાર રાધનપુર નાયબ કલેકટર કચેરી બહાર ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.

ભાજપ પ્રમુખ પુત્ર દ્વારા સતાવવામાં આવેલ માતાને ન્યાય માટે ઉપવાસ આંદોલન પર બેસવું પડે તે જોતા ભાજપ સરકારની નારી સન્માન ની વાતો પોકળ પુરવાર થઈ છે.