પાટણ : મામલતદાર કચેરી બહાર શિક્ષકો દ્વારા યોજાયા મૌન ધરણા

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક મહામંડળ તેમજ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક મહામંડળના આદેશ અનુસાર શિક્ષકોના પડતર પ્રશ્નો જેવા કે જૂની પેન્શન યોજના, પાંચ વર્ષની સળંગ નોકરી ગળવી, ફાજલ નું બિનશરતી રક્ષણ, સાતમા પગાર પંચના એરિયર્સના બાકી હપ્તા, વગેરે મુદ્દોઆે અંગે અગાઉ સમયાંતરે અનેકવાર રજૂઆતો સરકારશ્રી સમક્ષ કરવામાં આવેલ હતી.

જેમાં કેટલાક પ્રશ્નોના મુદ્દે સરકાર દ્વારા સ્વીકાર કરેલ હોવા છતાં આજદિન સુધી તેનો અમલ થયેલ ન હોવાથી સમગ્ર રાજ્યમાં તબક્કાવાર જુદી જુદી રીતે રજૂઆતો કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. જેના પ્રથમ તબક્કામાં સમગ્ર રાજ્યના કલેકટર,જિલ્લા શિક્ષણાધિકારી, ધારાસભ્ય, સંસદ સભ્યોને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

જેના બીજા તબક્કા રૂપે ગતરોજ શનિવારના રોજ બપોરે ૧ થી ૩ કલાક દરમિયાન કોરોના ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણાંનો કાર્યક્રમ પાટણ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ તેમજ પાટણ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા યોજવામાં આવ્યો હતો.

કોરોના ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી જે શિક્ષક મિત્રો હાજર રહી શક્યા નથી તેઆેએ પોતાની શાળામાં કાળી પટ્ટી ધારણ કરી પોતાની માગણી રજૂ કરી હતી.

સંઘના સભ્યોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી સરકારશ્રી સત્વરે આ વ્યાજબી માગણીઆે પ્રત્યે હકારાત્મક વલણ અપનાવી સ્વીકારે તેવી વિનંતી કરવામાં આવી હતી.આ ધરણા કાર્યક્રમમા બંને સંઘના પ્રમુખ શ્રી અમરતભાઈ દેસાઈ,હરિભાઇ પટેલ,મહામંત્રી કેયુરભાઈ જાની,વિજયભાઈ પ્રજાપતિ,રાજ્ય મહામંડળ સંગઠન મંત્રી કપુરજી ઠાકોર તેમજ સમગ્ર કારોબારીના સભ્યો અને શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા.