પાટણ શહેરમાં ખાદ્ય સામગ્રીમાં મોટા પાયે ભેળસેળ કરાતી હોવાની બાતમીના આધારે અવાર-નવાર પાટણ ફુડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરીને શંકાસ્પ્દ માલને સિઝ કરી તેના નમૂના મેળવી પૂથક્કરણ અર્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવતા હોય છે. ત્યારે મંગળવારના રોજ પાટણ ફૂડ વિભાગ કચેરીને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે સિનિયર ફુડ અધિકારી વી.જે. ચૌધરી સહિતની ટીમે શહેરના ત્રણ દરવાજા ખાતે આવેલા ધી બજારના એક વેપારીના ગોડાઉનમાં રેડ કરી હતી. તેમજ વેપારીના ગોડાઉન ઉપર તપાસ હાથ ધરી શંકાસ્પદ ૭૯૧ કિં.ગ્રા. ઘીના જથ્થાને સિઝ કરી તેના નમૂનાને લેબોરેટરી અર્થ મોકલી આપી આગળની તજવીજ હાથ ધરી હતી.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ ફૂડ વિભાગની કચેરીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પાટણ શહેરના ત્રણ દરવાજા સ્થિત ઘી બજારમાં નરેન્દ્રકુમાર હસમુખલાલ મોદી નામના વેપારી દ્વારા ખાદ્ય ઘી મા મોટા પાયે ભેળશેળ કરવામાં આવી રહી છે.
આ બાતમીના આધારે પાટણ ફૂડ વિભાગના સિનિયર અધિકારી વી. જે. ચૌધરી સહિતની ટીમે વહેલી સવારે રેડ કરી વેપારીને સાથે રાખી શહેરના છીંડીયા દરવાજા નજીક આવેલી બાલાપીરની શેરી ખાતેના વેપારીના ગોડાઉનમાં તપાસના ચક્રોગતિમાન કર્યાં હતા. તેમજ ગોડાઉનમાં પડેલા શંકાસ્પદ ઘી ના ડબ્બામાંથી સેમ્પલ લઇ તેને લેબોરેટરી અર્થ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાટણ ફૂડ વિભાગની કચેરીના અધિકારીઓ દ્વારા ઘી બજારમાં વેપારીને ત્યાં અને તેના ગોડાઉન ઉપર હાથ ધરાયેલી તપાસ કામગીરીને લઇને પાટણ બજારમાં ભેળસેળયુક્ત ઘીનો વેપાર કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. કેટલાક વેપારીઓ પોતાની દુકાનો બંધ કરી ભૂગર્ભમાં ગરકાવ થઈ ગયા હતા.
ઘી બજારના વેપારી નરેન્દ્રકુમાર હસમુખલાલ મોદીની દુકાન અને ગોડાઉન ઉપર ફુડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી બાબતે માહિતી આપતા ફુડ વિભાગના સિનિયર અધિકારી વી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત વેપારીના ગોડાઉન ઉપરથી શંકાસ્પદ જણાતા ગોપાલ દેશી ઘી તેમજ છુટક ઘી માંથી નમૂના મેળવી તેને લેબોરેટરી અર્થ મોકલી આપવામાં આવ્યાં છે. છુટક ઘી ૧પ કિ.ગ્રા. ટીન નંગ.૪૮ મળી કુલ ૭૧૮ કિ.ગ્રા. ઘી. કિ.રૂ.ર,૮૭,ર૦૦ તેમજ ગોપાલ દેશી ઘી ૭૩ કિ.ગ્રા. કિ.રૂ.ર૯ર૦૦ નો જથ્થો મળી કુલ ૭૯૧ કિ.ગ્રા.ઘી કિ.રૂ.૩,૧૬,૪૦૦ નો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગોડાઉનમાં તૈયાર થતું ઘી ભેળસેળયુક્ત છે કે કેમ તેની તપાસ કરવા માટે ફુડ વિભાગના અધિકારીએ દરોડો પાડતા વેપારીને બચાવવા માટે અધિકારી પર દબાણ આવ્યું હતું.પરંતુ અધિકારી દબાણ વશ થયા ન હોતા.
પાટણ શહેરમાં ભેળસેળયુક્ત ઘીનો મોટો કારોબાર ચાલી રહ્યો હોવાની બુમરાડ ઊઠી રહી છે.ઘીનો જથ્થો પાટણથી લક્ઝરીઓ મારફતે અમદાવાદ, મુંબઇ અને સુરત સુધી જાય છે. અગાઉ તંત્ર દ્વારા સેમ્પલ લઇ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.