પાટણ : સહસ્ત્ર તરુવન ખાતે શિક્ષક દિનની કરાઈ ઉજવણી

વૈદિક નદી માતા સરસ્વતીના કિનારે નિર્માણ પામેલ સહસ્ત્ર તરુવન ખાતે સરસ્વતી પીપળવન ઓકિ્સજન પાર્કને પ ઓગસ્ટના એક વર્ષ પૂર્ણ થતું હોઈ ગતરોજ આર્યવ્રત નિર્માણ અને સરસ્વતી ઉપાસકો ( શિક્ષક સમાજ) દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી જયરામભાઈ જોશીની અધ્યક્ષતામાં ચિંતન બેઠક મળી હતી અનેં આગામી પ સપ્ટેમ્બર શિક્ષક દિન ના દિવસે સહસ્ત્ર તરુવનના સરસ્વતી પીપળવનમાં ગુજરાતનું સૌપ્રથમ સરસ્વતી મંદિર , સરસ્વતી તળાવ અને સરસ્વતી ઘાટ નિર્માણ કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું

ત્યારે આર્યવ્રત નિર્માણના પ્રમુખ નિલેશ રાજગોર દ્વારા સહસ્ત્ર તરુવન પ્રકલ્પની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી તથા પર્યાવરણ અને પ્રકૃતિનું સંરક્ષણ એવમ સંવર્ધન કરવામાં સરસ્વતીના ઉપાસકો અને આર્યવ્રત નિર્માણ દ્વારા કેવી રીતે સરસ્વતી મંદિર, સરસ્વતી તળાવ અને સરસ્વતી ઘાટના નિર્માણ થકી સમગ્ર ગુજરાતમાં આ પ્રકલ્પ એક રાષ્ટ્રને ઉપયોગી જીવંત પ્રશિક્ષણ કેન્દ્ર બનશે તે વિશે માહિતી આપવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્રકૃતિ અને સંસ્કૃતિના સંગમમાં સૌ શિક્ષકો અને શિક્ષણ સાથે સંકળાયેલા સૌને તન મન અને ધનથી જોડાવા આહવાન કરાયું હતું. મુખ્ય મહેમાન અને સંચાલક મંડળના અધ્યક્ષ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડો.કાનજીભાઈ પટેલ દ્વારા પણ આ વિચારને પાટણ જિલ્લા સહિત સમગ્ર રાજ્યના સરસ્વતી ઉપાસકો ઉપાડી લેશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તો ચીફ ઓફિસર પાંચાભાઈ માળી , જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઇ પટેલ , પ્રયાસ વેલ્ફેરના પારસ પટેલ તથા વાગદોડ આચાર્ય વિનોદભાઈ જોશી દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા હતા.

ઉપસ્થિત સૌ મહેમાનો દ્વારા સરસ્વતી પીપળવનને પ ઓગસ્ટ એક વર્ષ પૂર્ણ થતું હોઈ પ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુપ્તદાતા તરફથી મળેલ બે પાણીની પરબો વટેમાર્ગુ અને લોકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી.

મહેમાનો સહિત ઉપસ્થિત સૌ શિક્ષકો દ્વારા માં સરસ્વતીની વંદના પૂજન અને આરતી કરવામાં આવી હતી તથા આગામી પ સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે સૌએ એકસંપ થઈ સંપૂર્ણ તૈયારી કરી સરસ્વતી મંદિર , સરસ્વતી તળાવ અને સરસ્વતી ઘાટનું ખાતમુહૂર્ત કરવાનો ઠરાવ કર્યો હતો જે પાટણ માટે આવતા દિવસો માટે એક ઐતિહાસિક નિર્ણય સાબિત થશે.