રાજયનો એકપણ જરુરીયાતમંદ નાગરીક રાત્રે ભુખ્યો ન સુવે તેની દરકાર સરકારે કરી પાટણ જીલ્લાની પ૦૩ વ્યાજબી ભાવની દુકાનો પરથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામુલ્યે અન્ન વિતરણ સસ્તા અનાજની દુકાનેથી કરવામાં આવી રહયું છે.
ત્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામુલ્યે આપવામાં આવતો ઘઉંનો જથ્થો પાટણ શહેરની મોટાભાગની વ્યાજબી ભાવની દુકાનોમાં ખરાબ આવ્યો હોવાની રાવ ઉઠવા પામી છે. ત્યારે પીપળાગેટ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ઘઉંનો જથ્થો પશુઓ પણ ન ખાય તેવો આવ્યો હતો. ત્યારે સંચાલકે પાટણ ગોડાઉનમાંથી આપવામાં આવેલો જથ્થો ગરીબ અને જરુરીયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવતાં જરુરીયાતમંદ લોકોએ સરકાર સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને સરકાર દ્વારા કરવામાં આવતાં તાયફાઓ બંધ કરી ગરીબ અને જરુરીયાતમંદ લોકોને ખરાબ અનાજ આપીને મશ્કરી કરી હોવાના આક્ષોપો કરી સરકાર દ્વારા ગરીબોની મશ્કરી ન કરી તેઓ બે ટંક જમી શકે તેવો સારો અન્ન પુરવઠો આપવા માંગ કરી હતી.
તો સસ્તા અનાજની દુકાનના કર્મચારીએ ચાલુ માસે મફતમાં આપવામાં આવતા જથ્થામાં ઘઉં ખૂબજ ખરાબ આવ્યા હોવાથી ઉપર રજૂઆત કરી હોવાનું જણાવી પાટણ અન્ન નાગરીક પુરવઠાના ગોડાઉનમાંથી જે જથ્થો ફાળવવામાં આવે છે તે જ જથ્થાનું વિતરણ અમારા થકી કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું.
આમ, સરકાર દ્વારા પાંચ વર્ષની પૂણાહૂતિ નિમિત્તે મોટા મોટા કાર્યક્રમો કરી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબોને વિતરણ કરવામાં આવેલો જથ્થો ખરાબ આપી ગરીબ લોકોની મશ્કરી કરી હોવાનું કાર્ડધારકોમાં ચર્ચાસ્પદ બન્યું હતું.