પાટણ નગરપાલિકાની નવીન બોડીએ વહીવટી ચાર્જ સંભાળ્યા બાદ છાશવારે ભૂગર્ભના ગંદા પાણી રોડ પર રેલાતા હોવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે અને જયારથી ભૂગર્ભ સમિતિના નવીન ચેરમેન જયેશ પટેલે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આ ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ પર રેલાતા હોવાના બનાવોએ માઝા મૂકી છે તેમ છતાં નવીન ભૂગર્ભના ચેરમેન તમામ સમસ્યાઓથી વાકેફ હોવા છતાં મૌન સેવી ઠેકેદારને પ્રોત્સાહન પુરુ પાડી રહયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહયું છે.
ત્યારે પાટણ શહેરના રેલવે નાળાની બહાર આવેલ મીટર હાઉસ રોડ પર છેલ્લા બે દિવસથી ભૂગર્ભના ગંદા પાણી રોડ પર રેલાતાં સ્થાનિક વેપારીઓ ભૂગર્ભના ગંદા પાણીની વાસથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. એટલું જ નહીં અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને પણ જાહેર માર્ગ પર રેલાતા ભૂગર્ભના ગંદા પાણીને લઈ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
ત્યારે આજ વિસ્તારમાં નંખાયેલા બ્લોક પણ છાશવારે ઉભરાતા ભૂગર્ભના ગંદા પાણીને લઈ તૂટી જવા પામ્યા છે એટલું જ નહીં સામાન્ય વરસાદમાં પણ અહીં વરસાદી પાણીનો કોઈ જ નિકાલ ન હોવાના કારણે વરસાદી પાણી ભરાઈ રહેતાં વેપારીઓ સહિત ગ્રાહકો અને સ્થાનિક રહીશો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે છેલ્લા બે દિવસથી જાહેરમાર્ગ પર રેલાઈ રહેલા ભૂગર્ભના ગંદા પાણીને લઈ વેપારીઓ રોગચાળાની ભીતિ પણ સેવી રહયા છે.
ત્યારે સ્થાનિક વેપારી જીતુભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી રેલાતા ભૂગર્ભના ગંદા પાણીને લઈ પાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી સ્થાનિક વેપારીઓ આ સમસ્યાને લઈ ત્રાહિમામ પોકારી ઉઠયા છે જેથી વહેલી તકે પાલિકા દ્વારા ભૂગર્ભના ગંદા પાણીની સાથે સાથે ભરાઈ રહેતા વરસાદી પાણીનો કાયમી નિકાલ લાવવા માંગ કરી હતી.