પાટણ શહેરમાં દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નિકળ્યો છે તેમ છતાં પાટણ નગરપાલિકાના સત્તાધીશો સહિત નગરસેવકો અને વોર્ડ ઈન્સ્પેકટરો મૌન સેવી રહયા છે. ત્યારે પાલિકાના સત્તાધીશોના મૌનને લઈ પાટણના કેટલાક બિલ્ડરોએ બેફામ બની બિનઅધિકૃત બાંધકામ કરી પાટણ શહેરને બાનમાં લીધું છે.
આવા અનઅધિકૃત દબાણો સામે જાગૃત નાગરીકો દ્વારા વારંવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં રજૂઆતો કરેલ છે અને તે અંગે કલેકટર દ્વારા અનઅધિકૃત દબાણોને તોડી પાડવાના કેટલાય હૂકમો કરવામાં આવ્યા છે છતાં પણ આજદીન સુધી આવા ગેરકાયદેસર થયેલા દબાણો સામે પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.
જેના કારણે નગરપાલિકાના સત્તાધીશો સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે પાટણ શહેરનાં જલારામ મંદિર ચોક પાસે અને જૂના ઈન્ડીયન રેડક્રોસની સામે રેસીડેન્સીયલ બાંધકામની મંજૂરી પર ગેરકાયદેસર કોમર્શીયલ બાંધકામની ૭૦ થી ૮૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં પણ પાલિકાના સત્તાધીશો દ્વારા હજુ સુધી કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી.
અને આ ગેરકાયદેસર બાંધકામ અંગે પાલિકાના સત્તાધીશો અજાણ ન હોવા છતાં પણ તેઓ મૌન સેવી રહયા છે. તો કોની રહેમ નજર હેઠળ થઈ રહી છે આ પ્રકારની કામગીરી? તેવા શહેરમાં પ્રશ્નો પણ ચર્ચાઈ રહયા છે. શહેરમાં કરાયેલા અનઅધિકૃત બાંધકામને લઈ કોપોરેટર ડો.નરેશ દવેએ જણાવ્યું હતું કે પીટીએન ન્યુઝમાં પ્રસારીત થયેલા અનઅધિકૃત દબાણોને લઈ ચીફ ઓફિસરે જે ખુલાસો કર્યો છે તે તેમના સ્થાને યોગ્ય હોવાનું જણાવ્યું હતું
અને આ અનઅધિકૃત બાંધકામોને લઈ આગામી સામાન્ય સભામાં ચર્ચા માટે યાદી ચડાવી તેઓની સામે જે સખત કાર્યવાહી કરવાની હશે તે કરવામાં આવશે અને જે અધિકારીઓએ ખોટી રજાચિઠી આપી હશે તેને જવાબદાર ઠેરવવામાં આવશે અને જેણે ખોટુ કયું હશે તેને પાલિકા દવારા અટકાવવામાં આવશે તેવી પણ તેઓએ પીટીએન ન્યુઝ સમક્ષા માંગ કરી હતી.
તો ડો.નરેશ દવેએ આ અનઅધિકૃત થઈ રહેલા બાંધકામો અંગે વોર્ડ ઈન્સ્પેકટરોએ નગરપાલિકામાં રીપોટો પણ આપ્યા હોવા છતાં અધિકારીઓએ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતાં મૌન સેવી આવા લાલચી તત્વોને છુટો દોર આપતાં આજે ૭૦ થી ૮૦ ટકા જેટલું પાલિકાની રહેમ નજર હેઠળ જ બાંધકામ થયા હોવાના આક્ષોપો કર્યા હતા.