‘ઑપરેશન ગંગા’ અંતર્ગત ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસ.ના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહેલી પ્રિયાનું પરિવાર સાથે પુનઃમિલન
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ઑપરેશન ગંગા’ થકી હું આજે મારા પરિવાર સાથે છું
- યુક્રેનની યુદ્ધગ્રસ્ત સ્થિતિમાંથી પાટણની પ્રિયા પિનાકીનભાઈ પટેલ હેમખેમ પોતાના ઘરે પરત ફરી છે. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ઑપરેશન ગંગા’ અંતર્ગત યુક્રેનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે ત્યારે પ્રિયા સહીસલામત ઘરે પરત ફરતાં પરિવારજનોએ આનંદની લાગણી સાથે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
યુક્રેનની ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસ.ના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહેલી પ્રિયા રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા હુમલા અને યુદ્ધની સ્થિતિમાં ત્યાં ફસાઈ હતી. પ્રિયા જણાવે છે કે, ભારતીય એમ્બેસીની એડવાઈઝરી મુજબ અમારે યુક્રેન છોડી દેવાનું હતું અને 28 ફેબ્રુઆરીએ ભારત આવવા મારી ફ્લાઈટ હતી. પરંતુ એર ઝોન બંધ થવાથી મારી ફ્લાઈટ કેન્સલ થઈ હતી અને હું યુક્રેનમાં જ ફસાઈ ગઈ હતી.- પ્રિયના માતા કામિનીબેન જણાવે છે કે, યુદ્ધના સમાચાર સાંભળી દિકરીની ચિંતા થતી હતી કે આવી સ્થિતિમાં તે કઈ રીતે પાછી આવી શકશે. તેવા સમયે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘ઑપરેશન ગંગા’ શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું અને આશા બંધાઈ કે હવે પ્રિયા સલામત રીતે ઘરે પહોંચશે. અમારો વિશ્વાસ સાચો સાબિત થયો, આજે પ્રિયા અમારી સાથે છે.
કામિનીબેન વધુમાં જણાવે છે કે, અમે પ્રિયા સાથે સતત સંપર્કમાં હતા જેથી વહિવટી તંત્રના અધિકારીઓ એ ત્રણથી ચાર વખત અમારા ઘરની મુલાકાત લઈ યુક્રેનમાં ફસાયેલી પ્રિયાની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. જેના આધારે અન્ય વિદ્યાર્થીઓ સાથે પ્રિયાને પણ ઘરે લાવવાની વ્યવસ્થા કરી શકાય.
યુદ્ધની ભયંકર સ્થિતિ વચ્ચે આકરી મુશ્કેલીઓ વેઠી પાટણ સુધી પહોંચેલી પ્રિયા જણાવે છે કે, ‘ઑપરેશન ગંગા’ અંતર્ગત એમ્બેસી દ્વારા અમને પોલેન્ડ બોર્ડરથી બસ દ્વારા હોટલ અને ત્યારપછી ખાસ ફ્લાઈટ દ્વારા દિલ્હી પહોંચાડવામાં આવ્યા. દિલ્હીથી બસ દ્વારા અમે ગુજરાત આવતાં હું ઘર સુધી પહોંચી શકી છું. આ દરમ્યાન અમને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડી નથી. અમારા રહેવા અને જમવા સહિતની સુંદર વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવી હતી.
યુક્રેનથી સલામતી રીતે પોતાના ઘરે પહોંચાડવા બદલ આભારની લાગણી વ્યક્ત કરતાં પ્રિયા કહે છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ઑપરેશન ગંગા’ થકી હું આજે મારા પરિવાર સાથે છું. તેઓ ખુબ પ્રશંસનિય કામગીરી કરી રહ્યા છે અને તેના માટે હું તેમનો આભાર માનું છું.
ઉલ્લેખનીય છે કે, ‘ઑપરેશન ગંગા’ અંતર્ગત પાટણ જિલ્લામાંથી અભ્યાસાર્થે ગયેલા 30 વિદ્યાર્થીઓ પૈકી 28 વિદ્યાર્થીઓને હેમખેમ ભારત લાવી દેવામાં આવ્યા છે. જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ બાકીના વિદ્યાર્થીઓના પરિવારજનો સાથે સંપર્કમાં છે તથા રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનમાં રહી આવનારા દિવસોમાં બાકીના 02 વિદ્યાર્થીઓને પરત લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
…………………………..
પ્રિયાએ યુક્રેનમાં યુદ્ધની સ્થિતિના અનુભવો વર્ણવ્યા
જમવા બેઠા અને સાયરન વાગી….
પ્રિયા જણાવે છે કે, અમને અગાઉ સુચિત કરવામાં આવ્યું હતું કે ટર્નોપિલમાં સાયરન વાગે ત્યારે બંકરમાં જતા રહેવુ. અમે જમવા બેઠા હતા ને સાયરન વાગતાં જ અમે બંકરમાં ચાલ્યા ગયા. એક આખી રાત બંકરમાં વિતાવ્યા બાદ બીજા દિવસે અમને કહેવામાં આવ્યું કે હવે તમે સુરક્ષિત રીતે ટર્નોપિલ અને યુક્રેન છોડી દો.
-5 ડિગ્રી તાપમાનમાં બે દિવસ અને એક રાત જંગલમાં વિતાવી…
ટર્નોપિલથી પોલેન્ડ બોર્ડર તરફ જવા નિકળેલી પ્રિયા ટ્રાફિકજામના કારણે 40 કિ.મી. ચાલીને બોર્ડર સુધી પહોંચે છે. રશિયન યુદ્ધ વિમાનોને સિગ્નલ મળવાનો ભય હોવાથી તાપણી સળગાવવાની પણ યુક્રેનીયન સૈનિકોએ મનાઈ ફરમાવતાં શેલ્ટરના અભાવે -5 ડિગ્રી તાપમાનમાં બે દિવસ અને એક રાત જંગલ વિસ્તારમાં વિતાવે છે.