Rahul Gandhi Surat : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના વર્તમાન સાંસદ રાહુલ ગાંધીને ‘મોદી અટક’ સંબંધિત કેસમાં મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે (23 માર્ચ, 2023) તેમને માનહાનિના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટે તેમને બે વર્ષની જેલની સજા ફટકારી છે. જોકે, આ કેસમાં રાહુલ ગાંધીના જામીન પણ મંજૂર થઈ ગયા છે.
કર્ણાટકના કોલાર ગામમાં 13 એપ્રિલ 2019ના દિવસે સાંસદ અને કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ કોમન છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં તેમના વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
આ કેસમાં સુનાવણીઓ થઈ અને આજે સુરતની અદાલતે માનહાનિ કેસમાં ચુકાદો આપ્યો હતો. રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા. સુરતની અદાલતે આજે ચુકાદો આપતાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. કલમ 499 અને 500 મુજબ તેમને બે વર્ષની સજા સંભળાવામાં આવી હતી અને પંદર હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના વકીલે રાહુલ વતી આ કેસમાં જામીન માગતાં અદાલતે તે મંજૂર કર્યા હતા. રાહુલ ગાંધી સુરત કોર્ટમાંથી નીકળીને સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસી આગેવાનો સાથે ચર્ચા કરી હતી.
ધારાસભ્ય પુર્ણેશ મોદી દ્વારા વર્ષ 2019ના રાહુલ ગાંધીના મોદી અટક પર કરવામાં આવેલા નિવેદન સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. જે મામલે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. પુર્ણેશ મોદીએ આ અંગે વાત કરતા જણાવ્યું છે કે, બેંગ્લોરથી 100 કિલોમીટર દૂર આવેલા વિસ્તારમાં 2019માં જાહેરસભા દરમિયાન નિવેદન કર્યું હતું. જેમાં તેઓએ જે ટિપ્પણી કરી હતી જેની ફરિયાદ સુરતની કોર્ટમાં કરવામાં આવી હતી. આજે નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેને હું આવકારું છું.
એવું તો શું બોલ્યા હતા રાહુલ ગાંધી કે કોર્ટે ફટકારી બે વર્ષની સજા?
આ સમગ્ર મામલો વર્ષ 2019નો છે. રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના કોલારમાં સામાન્ય ચૂંટણી પ્રચાર દરમિયાન ‘મોદી અટક’ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “બધા ચોરની અટક (સરનેમ) મોદી જ કેમ હોય છે?”