મહેસાણા શહેરમાં ગોપીનાળા ચોકડી પર ટ્રાફિક પોલીસની હાજરીમાં બાઇક ચાલકને માર મારી સોનાનો દોરો,પાકીટ તેમજ તેનું બાઇક લૂંટી 3 અજાણ્યા શખ્સોએ ભાગી જવાની ઘટનાએ ચકચાર જગાવી છે. સારવાર માટે ખસેડાયેલા યુવાને કહ્યું કે, ભરચક વિસ્તારમાં હુમલા સમયે પોલીસની મદદ માંગી પરંતુ હાજર 3 પોલીસકર્મીઓ મદદ કરવાનું ટાળી અત્રેથી નીકળી ગયા હતા.

ટીબી રોડ પર આવેલા ઋતુરાજ ફ્લેટમાં રહેતા અને વ્યવસાયે ફોટોગ્રાફર અમિતભાઇ રમેશભાઇ રાઠોડ સોમવારે બપોરે 12.30 વાગ્યે બાઇક નંબર જીજે 02 સીએફ 8837 લઇને ગોપીનાળા પાસેના કોમ્પલેક્ષમાં કામે ગયો હતો.

આ સમયે એકાએક બાઇક અથડાવીને નીચે ઉતરેલા 3 અજાણ્યા શખ્સોએ બોલાચાલી કરી અમિતભાઇને જાહેર રોડ પર ફટકાર્યા હતા અને સ્થાનિક વેપારીઓ વચ્ચે પડ્યા ત્યારે હુમલાખોર પૈકીના એકે ચાલો બધા દુકાનોમાં જતા રહો તેમ કહી ધમકી આપી હતી.

અમીતભાઇના શબ્દોમાં કહીએ તો માથા અને પેટમાં ફેટો મારી રહેલા હુમલાખોરોથી બચવા ગોપીનાળા સર્કલ પર પોલીસ પોઇન્ટ તરફ દોડી જઇ મદદ માગતા તેમને ચાલતી પકડી હતી. હુમલાખોરો સોનાની ચેન, રોકડ ભરેલું પાકીટ તેમજ બાઇક પણ ઉઠાવી ગયા હતા. ઇજાગ્રસ્ત અમિત પટેલે ફરિયાદ નોંધાવવા તજવીજ કરી હતી.

ટ્રાફિક પીએસઆઇ ટી.બી.વાળાએ જણાવ્યું કે, આ બાબતે મને કોઇ જાણકારી નથી. આમ જોવા જઇએ તો પોલીસ આવા કેસમાં ઇગ્નોર ન કરે, કાંઇ મિસ અંડર સ્ટેન્ડીંગ થયું હશે. જો પોલીસથી સોલ્વ ન થાય તેવા સંજોગોમાં તે પોલીસવાન બોલાવી લે છે. આમ છતાં તપાસ કરું છું.

સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે, બાઇક અથડાવા મુદ્દે ઝઘડો કરનારા બે શખ્સે યુવાનને માર મારતો જોઇ વેપારીઓ અને બીજા લોકો ભેગા થઇ ગયા હતા. યુવાને બૂમો પાડતાં નજીકમાં ઊભેલ એક પોલીસવાળો આવ્યો, પરંતુ વાતાવરણ જોઇ તે ત્યાંથી નીકળી ગયો.

પોલીસે લાકડીથી હુમલો કરવા આવેલાઓને ફટકાર્યા હોત તો જાહેરમાં લૂંટનો બનાવ ન બન્યો હોત.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.