સાબરકાંઠા જિલ્લામાં આવેલ ઈડરિયો ગઢ ઐતિહાસિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. ઈડરિયો ગઢ પર ઐતિહાસિક અને પૌરાણિક કેટલાક જોવાલાયક સ્થળો આવેલા છે. જેમાં એક સ્થળ છે શહેરના કુંડ વિસ્તારમાં આવેલ ખોખાનાથ મહાદેવ મંદિર પાસે આવેલ કુંડ જેને ખોખાનાથ કુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં નગરજનો હરવા ફરવા અને ખોખાનાથ મહાદેવના દર્શનાથૅ આવતા હોય છે, ત્યારે ખોખાનાથ કુંડને વિકસાવવા પ્રવાસન વિભાગ દ્વારા વર્ષ ર૦૧૯માં ૪ કરોડ રૂપિયા

જેટલી માતબર રકમ ફાળવવામાં આવી હતી. જેમાં કુંડના ડેવલપમેન્ટનું કામ સ્થાનિક કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યુ હતું. કોન્ટ્રાક્ટર દ્વારા કુંડનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. જે કામ મંદ ગતિ અને ગુણવત્તા વગરનું કરવામાં આવી રહ્યુ હોવાની બૂમો પણ ઉઠી છે. કુંડના મુખ્ય ગેટના ઉપરના ભાગે સિમેન્ટના પોપડા ઉખડેલા જોવા મળી રહ્યા છે. જેથી કોન્ટ્રકટર દ્વારા કામગીરીમાં ગેરરીતિ આચરી હોવાનું પણ આ દ્રશ્યો સાબિત કરી રહ્યા છે, ત્યારે આ કામ ઝડપી અને ટકાઉ કરવામાં આવે તેવું ઈડર શહેરના નગરજનો ઈચ્છી રહ્યા છે.

ઇડર ખોખનાથ કુંડની જેમ સપ્તેશ્વર મહાદેવ મંદીરને પણ પ્રવાસન વિભાગ દ્વારા ડેવલપમેન્ટ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. મંદીર ટ્રસ્ટના પ્રમુખે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ કામમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપ કર્યા છે. ટ્રસ્ટી મંડળને વિશ્વાસમાં લીધા વગર કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાનીથી વિકાસ કાર્ય કરવામાં આવ્યુ હોવાનો લોકોએ આક્ષેપ કર્યોછે.

જોકે, કામ થયાની માહિતી માંગવા છતા પ્રવાસન વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવતી નથી. તો સાથે જ સપ્તેશ્વર મહાદેવ મંદીર ટ્રસ્ટને હજુ સુધી કોઇપણ કામકાજ હેન્ડ ઓવર કરવામાં આવ્યુ નથી. કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ કામને પ્રવાસીઓ માટે ખુલલ્લુ મુકવામાં આવે તે પહેલા જ કોન્ટ્રાક્ટરની પોલ ખુલી ગઇ છે. સપ્તેશ્વર મહાદેવ મંદીર અને ઇડર કુંડના ડેવલપમેન્ટના કામમાં થયેલી ગેરરીતિ સામે પ્રવાસન વિભાગ કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરશે કે, કેમ તે હવે આવનારો સમય જ બતાવશે.