સિદ્ધાર્થ શુક્લાનું (Siddharth Shukla) નિધન થતાં તેના ચાહકો અને તેના સાથી કલાકારો આઘાતમાં આવી ગયા છે. સિદ્ધાર્થ શુક્લાએ જે છેલ્લી અભિનેત્રી સાથે કામ કર્યું હતું તેણે તેના માટે એક ભાવુક પોસ્ટ લખી છે. સિદ્ધાર્થે બ્રોકન બટ બ્યુટીફૂલમાં કામ કર્યું હતું અને તેની સામે સોનિયા રાઠી હતી.
સોનિયા રાઠીએ તે વેબ-સીરિઝના એક સીનની તસ્વીર શેર કરીને લખ્યું હતું કે, મને હજી પણ માનવામાં આવી રહ્યું નથી. શોટ વચ્ચે આપણી વચ્ચે થયેલી વાતચીત, જ્યારે પણ રૂમમાં દાખલ થાય ત્યારે તમારું આકર્ષક સ્મિત, તમે સતત આપેલો સહકાર અને મારામાં આત્મવિશ્વાસ ભરવા માટે અને કોઈ પણ વ્યક્તિનો દિવસ સુધારવાની તમારી ક્ષમતાને હું હંમેશા મિસ કરીશ.
તેણે આગળ લખ્યું હતું કે, તમે એક ઉમદા હ્રદયના માલિક હતા અને હું તેને જાણી શકી તેનો મને આનંદ છે. આપણે એકસાથે જે પણ સમય પસાર કર્યો છે તેને હંમેશા હું વાગોળીશ. તમે એક ઉમદા વ્યક્તિ અને ખરા મિત્ર હતા અને હું તમને હંમેશા યાદ રાખીશ
સિદ્ધાર્થ શુક્લાનું ગુરૂવારે સવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. શુક્રવારે મુંબઈના ઓશિવરા સ્મશાનગૃહમાં તેના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા