સિધ્ધપુરનું સરસ્વતી મુક્તિધામ સમગ્ર ઉત્તર ગુજરાત પંથકમાં પ્રસિદ્ઘ છે અને તેમાંથી પ્રેરણા લઈને અન્ય જગ્યાએ પણ લોકો આવા સ્મશાનગૃહ નિર્માણ કરી રહ્યા છે, જેમાં ચાણસ્મા ખાતેના સમગ્ર વણકર સમાજ દ્વારા ચાણસ્મા હાઇવે પર સરદારપુરા રોડ પર આવેલ વણકર સમાજની સ્મશાન ભૂમિમાં સમાજના વડીલોનું માર્ગદર્શન અને યુવાનોની ટીમવર્ક દ્વારા સૌના સહિયારા પ્રયત્નો અને શ્રમયજ્ઞ દ્વારા સુંદર બગીચા સહિત વણકર સમાજ મુક્તિધામનું સુંદર નિર્માણ કરાયું છે.
પ્રોજેક્ટના પ્રણેતા પેઈન્ટર કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે અમારા સ્મશાનગૃહની જગ્યામાં ઝાડી ઝાંખરા, કાંટા બાવળીયા છવાયેલા હતા અને સમગ્ર જગ્યા જંગલ જેવી પડી રહી હતી જેનો કેટલીકવાર દારૂ સહિત અસામાજિક પ્રવૃત્તિ માટે પણ લોકો દુરુંપયોગ કરતા હતા પરંતુ એક સારું આદર્શ અને સ્વચ્છ સુવિધાયુક્ત સ્મશાનભૂમિ નિર્માણ કરવાનો વિચાર આવતા અને આ વિચારની વાત ચાણસ્માના મોટા વણકરવાસ, નાના વણકરવાસ અને બુઢીયા વાસના વડીલો અને સમાજને કરતા તેઓએ હકારાત્મક પ્રતિસાદ આપી આર્થીક સહયોગ દ્વારા આ સમગ્ર કાર્ય સાકાર કરવા લીલીઝંડી આપી હતી.
સમાજના દાતાઓના સહકારથી અંદાજે બે લાખ જેટલો આર્થીક ફાળો એકત્ર થઈ જતા વણકર સમાજના યુવાનોની ટીમ દ્વારા છેલ્લા ચાર પાંચ મહિના દરમ્યાન રાત દિવસ સખત મહેનત અને શ્રમ યજ્ઞ કરીને જંગલમાં મંગલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
અહીં સૌના સાથ સહકારથી સુંદર બગીચાનું નિર્માણ કરીને તેમાં અવનવા ફૂલ છોડનું રોપણ કરવામાં આવ્યું છે તેમજ મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવેલ છે. તે ઉપરાંત સ્મશાનને ફરતે કમ્પાઉન્ડ વોલ, મોટો ગેટ, પાણીની સગવડ, પંખીઘર, બાંકડા તેમજ સ્ટીલની નનામી સહિત જરૂરી તમામ સાધનો વસાવીને તે મુકવા માટે અલગ ઓરડીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે તેમજ શેડ પણ બનાવાયો છે. જેથી સમગ્ર જગ્યા સુશોભિત બની છે.
આ ઉપરાંત સમગ્ર મુક્તિધામના દીવાલોની ચારે તરફ પ્રેરણારૂપ સુંદર સુવાક્યો પણ લખવામાં આવ્યા છે અને સ્મશાન ખાતે મહાદેવજીની મૂર્તિ સ્થાપિત કરીને સ્મશાન ભૂમિને એક સુંદર બગીચાના રૂપમાં ફેરવવામાં આવ્યું છે. અહીં યુવાનોના શ્રમ યજ્ઞથી તૈયાર થયેલા આ સુંદર મુક્તિધામને જોવા માટે લોકો આવી રહ્યા છે તેમજ સાંજના સુમારે અહિં આ શાંત અને રમણીય વાતાવરણનો લાભ લેવા માટે પણ સિનિયર સિટીઝન અને સમાજના લોકો બેસવા આવે છે.
જોકે આ સ્મશાનભૂમિની આજુબાજુમાં પડતર પડેલી જમીનમાં આગામી દિવસોમાં સ્મશાન સગડી બનાવવાનું તેમજ સોલર લાઈટની વ્યવસ્થાની જરૂરિયાત હોવા અંગે પણ અહીંના કાર્યકર્તાઓએ નિર્દેશ કર્યો હતો અને આગામી સમયમાં અહીં ચારે તરફની દીવાલ ઉપાડીને હજુ વધુ સારું નમૂનારૂપ મુક્તિધામ નિર્માણ કરવાનું સ્વપ્ન હોવાનું જણાવ્યું હતું.