પાટણ તાલુકાના નોરતા ગામે આવેલ સંત દોલતરામ મહારાજ આશ્રમ ખાતે ચાલુ વર્ષે રામનવમીની ઉજવણી સામાજિક એકતા વ્યસનમુક્તિ અને સંતવાણી થકી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પાટણ તાલુકાના નોરતા ગામે આવેલ સંત શ્રી નરભેરામ મહારાજની ગાદી આજે પણ પંથકના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ પવિત્ર ગાદી ઉપર દોલતરામ મહારાજ પણ નરભેરામ મહારાજ ના પંથે ચાલીને સમાજ હિતના કર્યો કરી રહ્યા છે.
સંત દોલતરામ મહારાજે શિક્ષણની જ્યોત જગાવી વ્યસનમુક્તિ, કુરિવાજો અંધ શ્રદ્ધા દૂર કરવાનો સંદેશો આપ્યો છે. નોરતા આશ્રમ ખાતે વર્ષ દરમ્યાન વિવિધ ધાર્મિક તહેવારોનું સુંદર આયોજન કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે તારીખ 10/ 4/ 2022 ને રામનવમી પર્વની ભક્તિમય માહોલમાં ભવ્ય ઉજવણી કરવાનું સુંદર આયોજન દોલતરામ મહારાજ દ્વારા કરવામાં આવ્યું છે.
રામનવમીએ રાત્રે આશ્રમ ખાતે સામાજિક એકતા વ્યસનમુક્તિ અંગે પૂજ્ય બાપુ અને વિશ્વ ભારતીજી મહારાજ માર્ગદર્શન આપશે ત્યારબાદ ભજન-કીર્તન અને સંતવાણીનો કાર્યક્રમ યોજાશે જેમાં પંથકના લોકોને ઉપસ્થિત રહી દર્શન અને સંતવાણી નો લાભ લેવા જણાવાયું છે.