આજે ટીમ ઈન્ડિયા(India) અફઘાનિસ્તાન સામે રમવા માટે મેદાનમાં ઉતરશે. સુનીલ ગાવસ્કરે(Sunil Gavaskar) ભારતીય ટીમને અફઘાનિસ્તાન સામેની મેચ માટે ખાસ સલાહ આપી છે. સુનીલ ગાવસ્કરનું માનવું છે કે, ભારતીય ટીમે અફઘાનિસ્તાન(Afghanistan) ટીમથી સાવધ રહેવું પડશે, તે ઘણી ખતરનાક ટીમ છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ સુકાની સુનીલ ગાવસ્કરે કહ્યું કે, અફઘાનિસ્તાનના બેટ્સમેન આક્રમક ક્રિકેટ રમે છે, તેઓ રિસ્ક લેતા હોય છે. પરંતુ તેમના મિસ્ટ્રી સ્પિનિર ભારતીય બેટ્સમેનની નબળાઈઓનો લાભ લઈ શકે છે. મોહમ્મદ નબીની ટીમને ઈગ્નોર ના કરવી જોઈએ. આ ટીમ કેળાની છાલ જેવી છે, જેના પર કોઈ પણ ટીમ લપસી શકે છે.
સ્પિન રમતી વખતે પડે છે તકલીફ
સુનીલ ગાવસ્કરે કહ્યું કે, આ ટીમ ઘણી ખતરનાક છે. તે એક એવી ટીમ છે જે 20 ઓવરની ગેમમાં પોતાના શોટ્સ રમતા ખચકાતી નથી. તે મેદાન પર ઉતરે છે અને ખુશી ખુશી બેટિંગ કરે છે. તેમની પાસે મિસ્ટ્રી સ્પિનર્સ છે અને તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાના પ્લેયર્સમાં જોવા મળ્યું છે કે તેઓ ક્વોલિટી સ્પિન રમતી વખતે અસહજ અનુભવ કરે છે. ખાસકરીને બેક ઓફ ધ હેન્ડ સ્પિન રમતી વખતે તેમને તકલીફ પડે છે. અફઘાનિસ્તાનની ટીમ વિષે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તે એક લપસી જવાય તેવી જમીન સમાન છે, જો કોઈ ટીમ તેમને ગંભીરતાથી નહીં લે તો લપસી શકે છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી બન્ને મેચ હારી ગઈ છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો છે. ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે આજની મેચ જીતવી અત્યંત જરુરી છે. અફઘાનિસ્તાનની વાત કરીએ તો તેમનું પ્રદર્શન હમણા સુધી સારુ રહ્યું છે. તે ટીમે સ્કોટલેન્ડ અને નામીબિયાને હરાવ્યા છે. પાકિસ્તાન સામેની મેચમાં પણ તે જીતવાની તૈયારીમાં હતા, પણ અંતિમ સમયે આસિફ અલીની બેટિંગને કારણે હારનો સામનો કરવો પડ્યો.
સુનીલ ગાવસ્કરે અફઘાનિસ્તાનના સ્પિનર્સના પણ વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, તેઓ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની સરખામણીમાં ભારત માટે વધારે મુશ્કેલી ઉભી કરી શકે છે. ભારતની બન્ને હાર પાછળ સ્પિનર્સે મહત્વનો ભાગ ભજવ્યો હતો. સુનીલ ગાવસ્કરે કહ્યું કે, અફઘાનિસ્તાનના સ્પિનર્સ અને તેમાં ખાસકરીને રાશિદ ખાન ભારત માટે પડકારજનક સાબિત થશે. ભારતીય ક્રિકેટર્સે વધારે સક્રિય થઈને રમવું પડશે. તેમણે રાશિદ અને મુજીબનો સામનો કરવા માટે યોગ્ય પદ્ધતિ અપનાવવી પડશે. ભારતે ગેમના લેવલને ઉપર લઈ જવું પડશે, આક્રમક બનવું પડશે.