સુરતની દુર્ઘટનામાં સળગતી બિલ્ડિંગમાંથી બાળકોને જીવના જોખમે બચાવનાર ભાર્ગવ બુટાણી જ મુખ્ય આરોપી.
સુરતની તક્ષશિલા કોમ્પલેક્ષ દુર્ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ગત રોજ કોમ્પલેક્ષ બાંધનાર બે બિલ્ડર અને ટ્યૂશન કલાસના સંચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયા બાદ મોડી રાત્રે ટ્યુશન ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી હતી. જ્યારે ભાગી છૂટેલા બંને બિલ્ડર હરસુલ વેકરીયા અને જીગ્નેશ પાઘડાળની શોધખોળ શરૂ કરી છે.
આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સુરતના પોલીસ કમિશનર સતીષકુમાર શર્માએ જણાવ્યું હતું કે હાલ પોલીસ આગનું ચોક્કસ કારણ જાણવા સ્થળ ઉપર તપાસ કરી રહી છે અને તેમાં એફ.એસ.એલ.ના નિષ્ણાંતો, મહાનગરપાલિકાના અધિકારીઓ, વીજ કંપનીના અધિકારીઓ પણ જોડાયા છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે તપાસમાં જે કોઈ જવાબદાર હશે તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
સરથાણા જકાતનાકા ખાતે તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં અનેક સ્વરૂપ જોવા મળી રહ્યાં છે. સ્માર્ટ ક્લાસીસના સંચાલક ભાર્ગવ બૂટાણીને પોલીસે મુખ્ય આરોપી તરીકે ઝડપી લઈને કાર્યવાહી શરૂ કરી છે. આ જ ભાર્ગવ બુટાણીએ દુર્ઘટના વખતે ઉપરથી લટકીને પછી અન્ય બે વિદ્યાર્થીઓને બચાવી લીધા હતાં. બાદમાં ફાયરબ્રિગેડની ક્રેઈન દ્વારા સૌપ્રથમ વિદ્યાર્થીઓને નીચે ઉતારીને પોતે નીચે ઉતર્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચના એસીપીએ પણ બચાવનાર ભાર્ગવ હોવાનું કહ્યું હતું.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News ને લાઈક કરો.