બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ર૦ ગ્રામ ડ્રગ્સ સાથે એક શખ્સને પોલીસે પકડ્યો હતો. થરાદના દુધવા ગામે બાઈક લઇને નીકળેલા શખ્સ પર શંકા જતા એસઓજીની ટીમે તલાસી લીધી હતી. જે દરમિયાન આ શખ્સ પાસેથી મેફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ર.રપ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પુછપરછ દરમિયાન અન્ય શખ્સનું નામ પણ બહાર આવ્યું હતું. પોલીસે પકડાયેલા શખ્સ સહિત બે સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર એસઓજીની ટીમને થરાદ સાંચોર હાઇવે પર વારા ગામના પાટીયા પાસે નંબર પ્લેટ વગરનું એક બાઈક જોવા મળ્યું હતું. પોલીસને શંકા જતા બાઈક સવાર યુવકની પૂછપરછ કરવામાં આવી હતી અને તલાસી લેવામાં આવી હતી. જે દરમિયાન થરાદના દુધવાના બાઈક સવાર માલસિંગ ચૌહાણના શર્ટના ખિસ્સામાંથી મેફેડ્રોન ડ્રગ્સ(એમડી) ર૦ ગ્રામ મળી આવ્યું હતું. જેની કિંમત ર લાખની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે ડ્રગ્સ ઉપરાંત બાઈક અને મોબાઈલ ફોન મળી કુલ ર લાખ રપ હજાર ૭૮૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
એસઓજીની ટીમ દ્વારા પકડાયેલા શખ્સની પુછપરછ કરવામાં આવતા તેણે ગાંધવ સાંચોર ખાતે રહેતા પ્રકાશ બિશ્નોઇ પાસેથી આ ડ્રગ્સ ખરીદ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસની ટીમ પ્રકાશ બિશ્નોઇને પકડવા ગઇ હતી પરંતુ તે મળ્યો ન હતો. પોલીસે પકડાયેલા આરોપી માલસિંગ ચૌહાણ અને ફરાર પ્રકાશ બિશ્નોઇ વિરુદ્ઘ એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.