થરાદ તાલુકાના કાસવી ગ્રામપંચાયતના સરપંચે ગામમાં કાગળ પર વધુ અને હકીકતમાં ઓછાં શૌચાલય બનાવીને અંદાજીત નવ લાખની રકમનું બારોબારીયું કયું હતું. આથી ગ્રામજનો દ્વારા કરાયેલી રજુઆતના પગલે ઉચ્ચસ્તરેથી હાથ ધરાયેલી તપાસમાં સરપંચ કસુરવાર ઠરતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને હોદ્દા પરથી દુર કરાયા હતા. આ ઘટનાને લઇને પંચાયત બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
થરાદ તાલુકાના કાસવી ગામના સરપંચ શાંમળાભાઈ પુરાભાઈ પટેલ દ્વારા સરકારની સ્વચ્છ ભારત યોજના અંતર્ગત ગામમાં રેકર્ડ પર પ૦ જેટલા શૌચાલય દર્શાવવામાં આવ્યા હતાં. પરંતુ હકીકતમાં માત્ર ૩૮ શૌચાલય જ બનાવવામાં આવ્યા હતાં અને બાકીનાં ૧ર શૌચાલયની રકમ બારોબાર ચાંઉ કરી ગયા હતા. આ અંગે ગ્રામજનો દ્વારા તાલુકા પંચાયત કચેરીમાં લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.
તથા ગુજરાત હાઈકોર્ટમાં પણ પીઆઇએલ દાખલ કરીને તટસ્થ તપાસ અને ન્યાયની માંગણી કરવામાં આવી હતી. જેના આધારે તાલુકા પંચાયત કચેરી દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. જેમાં ગ્રામ પંચાયતના સરપંચ શામળાભાઇ પટેલ દ્વારા ૧ર શૌચાલય ન બનાવીને અંદાજિત નવ લાખ રૂપિયાનું કારોબારીયું કરવામાં આવ્યું હોવાનું સાબિત થયું હતું.
તાલુકા પંચાયતના રિપોર્ટના આધારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સોમવારે ગ્રામ પંચાયતના સરપંચ શાંમળાભાઇ પુરાભાઈ પટેલને ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ પ૭ (૧) ની જોગવાઈઓ હેઠળ સરપંચ પદેથી દુર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
આ અંગે તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી શબ્બીરભાઈ મન્સુરીએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયત દ્વારા મંગળવારે સરપંચને દુર કરાયાના હુકમની બજવણી કરવામાં આવી હતી. તેમજ બુધવારે સરપંચનો ચાર્જ ગ્રામપંચાયતના ઉપસરપંચ જેબરબેન શીવાભાઈ દેસાઈને સોંપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.