ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈં’માં અનિતાભાભીનો રોલ પ્લે કરનાર સૌમ્યા ટંડને હાલમાં જ પોતાની ગાડીનું રિનોવેશન કરાવ્યું હતું. ગાડીના આ મેક-ઓવર પાછળ સૌમ્યા ટંડને સાડા છ લાખ રૂપિયા ખર્ચ કર્યાં છે. સૌમ્યાને ઘરેથી સેટ પર પહોંચતા ઘણો જ સમય જતો હતો. આથી જ તેણે પોતાની કારને એકદમ આરામદાયક બનાવી છે.

‘અનિતાભાભી’ની કારમાં છે આ સુવિધા

સૌમ્યા હાલમાં ‘ભાભીજી ઘર પર હૈં’ તથા ‘એન્ટરટેઈન્મેન્ટ કી રાત’નું શૂટિંગ કરે છે. જેમાં એક સેટ નયાગાંવ તો બીજો પવઈ ચાંદીવલીમાં હતો. આવામાં સૌમ્યાને આવવા-જવાનો સમય ઘણો જ થતો હતો. સૌમ્યાના મતે, તેને ‘ભાભીજી’ના સેટ નયાગાંવ પહોંચવામાં દોઢથી ત્રણ કલાકનો સમય થતો હતો. વરસાદને કારણે ઘણીવાર આનાથી પણ મોડું થતું હતું. બે સેટ પર જવાનું અને તબિયત ખરાબ હોય ત્યારે આટલાં કલાકો સુધી બેસવું સૌમ્યા માટે સહેલું નહોતું. આથી જ તેણે પોતાની કારની સીટને બિઝનેસ ક્લાસ એરલાઈન્સ સીટ બનાવી દીધી. કારમાં ટીવી સેટ, વેન્ટિલેટર સીટ, રિક્લાઈનિંગ સીટ વિથ ફૂડ રેસ્ટ, ડાઈનિંગ ટ્રે તથા નાનકડું ફ્રિજ મૂકાવ્યું છે. ટ્રાફિકમાં ફસાય તો આરામથી ટીવી જોઈ શકે છે. ભૂખ લાગી હોય તો ટ્રે લગાવીને જમી શકે છે. આ ડ્રાઈવર સેક્શનથી એકદમ અલગ છે અને તેથી જ તે આરામથી સૂઈ પણ શકે છે. ઉલ્લેખનીય છે કે થોડાં સમય પહેલાં સૌમ્યાને લિવર ઈન્ફેક્શન થતા તે સાતથી આઠ દિવસ શૂટિંગ પર જઈ શકી નહોતી.