જિલ્લામાં ડેન્ગ્યુના રોગચાળાને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ, ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી.
પાટણ તાલુકાના ૩૨, સરસ્વતી તાલુકાના ૦૨, હારીજ તાલુકાના ૦૨ તથા ચાણસ્મા તાલુકાના ૦૧ દર્દી મળી જિલ્લામાં ડેન્ગ્યુના કુલ ૩૭ દર્દીઓના ડેન્ગ્યુના કન્ફર્મ કેસ.
રોગચાળો ફેલાતો અટકાવવા અને લોકોમાં જાગૃતિ કેળવવા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહ્યું છે આરોગ્યલક્ષી શિક્ષણ.
પાટણ જીલ્લામાં આ વર્ષે સારા ચોમાસુ વરસાદ બાદ ડેન્ગ્યુ તાવના રોગચાળાએ દેખા દીધા છે. જિલ્લામાં શંકાસ્પદ ડેન્ગ્યુ તાવના ૧૪૦ દર્દીઓના બ્લડ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે, જેમાંથી ડેન્ગ્યુના ૩૭ કન્ફર્મ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના રોગચાળાને ફેલાતો અટકાવવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકીંગ, ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
ડેન્ગ્યુ માટે એલાઈઝા ટેસ્ટને કન્ફર્મ ટેસ્ટ ગણવામાં આવે છે, જે પાટણની ધારપુર મેડીકલ કોલેજ ખાતે કરવામાં આવે છે. જ્યાં જિલ્લાના શંકાસ્પદ ડેન્ગ્યુ તાવના ૧૪૦ દર્દીઓના બ્લડ સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ્સ પૈકી પાટણ તાલુકાના ૩૨ દર્દીઓ, સરસ્વતી તાલુકાના ૦૨ દર્દીઓ, હારીજ તાલુકાના ૦૨ દર્દીઓ તથા ચાણસ્મા તાલુકાના ૦૧ દર્દી મળી ડેન્ગ્યુના કુલ ૩૭ દર્દીઓના કન્ફર્મ કેસ નોંધવામાં આવ્યા છે.
જીલ્લાના જે સ્થળોએ ડેન્ગ્યુના કન્ફર્મ કેસ નોંધાયા છે ત્યાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલીક
ધોરણે પોરાનાશક કામગીરી તથા ફોગીંગની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ જ્યાં ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો નોંધાયેલા છે ત્યાં પણ રેમેડીયલ મેઝર્સ લેવામાં આવી રહ્યા છે. પાટણ શહેરમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને અનુલક્ષીને શહેરી વિસ્તારમાં દરરોજ પેરામેડીકલ સ્ટાફની ૪૦ ટીમ દ્વારા પોરાનાશક કામગીરી તથા ફોગીંગ કામગીરી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત પાટણ તાલુકા તથા સરસ્વતી તાલુકાની ૩૦ થી ૩૫ ટીમો દ્વારા અઠવાડીયામાં બે વખત પોરાનાશક તથા સર્વેલન્સ કામગીરી ઝુંબેશ રૂપે કરવામાં આવી રહી છે. તેમજ ઘેર-ઘેર રોગચાળો અટકાવવા અંગે લોકોમાં જાગૃતિ કેળવવા આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
જાણો ડેન્ગ્યુથી બચવાના ઉપાય.
દિવસે એડીસ ઈજિપ્તી નામના મચ્છર કરડ્યા બાદ ૦૪ થી ૦૭ દિવસમાં ડેન્ગ્યુ તાવના લક્ષણો દેખાય છે. આ તાવ સાદા તાવ જેવો જ છે. આ તાવ આવે ત્યારે વધારે પ્રમાણમાં પાણી અને લીંબુ પાણી, નારીયલ પાણી, જ્યુસ વગેરે જેવા પ્રવાહી પીવા જોઇએ. આ તાવના શંકાસ્પદ લક્ષણો જણાયેથી તાત્કાલીક નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ સમયસર સારવાર કરાવવી વધુ હિતાવહ છે.
ડેન્ગ્યુના લક્ષણોમાં માથુ દુખવું, તાવ, શરીરનો દુખાવો તથા ક્યારેક શરીર પર લાલ ચકામાં જોવા
મળે છે. આનાથી બચવા માટે આખી બાંયના કપડા પહેરવા, મોસ્કીટો રીપેલેન્ટનો ઉપયોગ કરવો, તથા દિવસે પણ મચ્છરદાનીનો ઉપયોગ કરવો. આ મચ્છર ખાસ કરીને ચોખ્ખા પાણીમાં થતા હોઇ ઘરના ફુલદાની, પરબીયા, ચાટ તથા ફીઝની ટ્રે દર અઠવાડીએ ઘસીને સાફ કરી સુકવવા જરૂરી છે. ગઢી-ટાંકી, માટલાને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા જોઈએ. આમ જો યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો આ રોગથી બચી શકાય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.