પાંચ મિત્રો તેમના પૈકી એક મિત્રના જન્મદિવસની ઉજવણી કરી કારમાં પરત જઈ રહ્યા હતા. ત્યારે મોડી રાતે કાર ઝાલોદ-લીમડી વચ્ચે પલટી ગઇ હતી, જેમાં બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે ત્રણ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે દાખલ કરવામા આવ્યા છે.
પ્રાથમિક જાણકારી અનુસાર અંશુલ દિલીપસિંહ રાઠોડ (ઉં.વ 21), અંકુર ઉર્ફે કાનો ધર્મેન્દ્રભાઈ લખારા (ઉં.વ 18), જિગર ઉર્ફ રાજ ધર્મેન્દ્રસિંહ લખારા (ઉં.વ 20), દેવ કલપેશભાઈ ચૌહાણ (ઉં.વ 18) અને શેહબાજ એમ પાંચેય મિત્રો જિગર લખારાનો જન્મદિવસ હોવાથી તેની ઉજવણી માટે એકત્રિત થયા હતા. જન્મદિવસની ઉજવણી હોશે હોશે સંપન્ન કરી એક કારમાં તમામ હસતાં હસતાં પરત લીમડી તરફ જવા રવાના થયા હતા.
ઝાલોદ અને લીમડી વચ્ચે કારની ઝડપને લીધે કે અન્ય કોઈ કારણે સાંપોઈ ગામ નજીક કાર પલટી ગઈ હતી. પલટી જતાં કાર તો જાણે પડીકું વળી ગઈ હતી. ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં અંકુર લખારા અને તેના મિત્ર અંશુલ રાઠોડનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે જિગર લખારા, દેવ ચૌહાણ અને શેહબાજને તાત્કાલિક 108 મારફત દવાખાને ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ સારવાર હેઠળ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.