લોકસભાની ચૂંટણી પહેલા ઊંઝા કોંગ્રેસનાં ધારાસભ્ય ડો. આશાબહેન પટેલે રાજીનામું આપતા રાજકારણ ગરમાઇ ગયું છે. આશાબહેને ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષને પોતાનું રાજીનામું આપ્યું છે. જેના કારણે અનેક અટકણો ચર્ચાઇ રહી છે. લોકોનું માનવું છે કે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ જશે. હાલ તો આવી ચર્ચાઓ જ સામે આવી રહી છે. સાચું કારણ તો તેઓ જ્યારે સામે આવશે ત્યારે જ ખબર પડી શકે છે.
આ અંગે કોંગ્રેસનાં ધારાસભ્ય, કિરીટ પટેલે જણાવ્યું કે, ‘મારે આશાબહેન સાથે કોઇ કોન્ટેક થયો નથી. મેં તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસો કર્યા પરંતુ થયો નથી. સંપર્ક થયા પછી જ સાચું કારણ સામે આવી શકે છે કે તેઓ રાજીનામું આપી રહ્યાં છે કે નહીં.’
મહેસાણાનાં પટેલ સમાજનાં નેતા જીવા પટેલ પણ હાલ ભાજપમાં જોડાયા છે. તેઓ ગત ચૂંટણીમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની સામે લડ્યાં હતાં અને હારી ગયાં હતાં. હવે ઉત્તર ગુજરાતનાં બીજા પટેલ નેતા પણ ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. એક તરફ જ્યાં કોંગ્રેસ ગુજરાતમાં સબ સલામતનાં દાવા કરે છે અને બીજી તરફ તેમનાં ધારાસભ્યો પક્ષથી નારાજ હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ચર્ચા એવી પણ છે કે આશાબહેન ઉપરાંત પણ અનેક ધારાસભ્યો બીજેપી સાથે વાતો કરી રહ્યાં છે.
મહત્વનું છે કે 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આશાબહેનને ટિકિટ આપી હતી. તેઓ ભાજપના નારાયણભાઇ પટેલને હરાવીને ધારાસભ્ય બન્યાં હતાં.