અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકસભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું સંબોધન સમાપ્ત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક પાસે જઈને તેમને ગળે મળ્યા હતા. જો કે વડાપ્રધાન નરેન્દ્ર અચાનક પોતાની પાસે આવેલા રાહુલ ગાંધીના અભિવાદન માટે ઉભા થઈ શક્યા ન હતા. જો કે ગળે મળ્યા બાદ વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીની પીઠ થપથપાવી અને તેમની સાથે હસ્તધૂનન પણ કર્યું હતું.
પીએમ મોદીને ગળે મળતા પહેલા રાહુલ ગાંધીએ કહ્યુ છે કે તેઓ વડાપ્રધાન, આરએસએસના આભારી છે કે તેમણે તેમને કોંગ્રેસ અને હિંદુસ્તાની હોવાનો અર્થ શિખવાડયો છે. કોંગ્રેસ અધ્યક્ષે રાહુલ ગાંધીએ કહ્યુ છે કે તેમને તેમનો ધર્મ સમજાવ્યો અને હિંદુ હોવાનો અર્થ સમજાવ્યો તેના માટે તેઓ આભારી છે. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે સામા પક્ષમાં તેમની અંદર નફરત, ગુસ્સો છે.. તેઓ તેમને પપ્પૂ કહે છે. પરંતુ રાહુલ ગાંધીએ આવી વાત પર તેમની અંદર કોઈ ગુસ્સો નહીં હોવાનું જણાવીને કહ્યુ હતુ કે એક-એક કરીને તેઓ સૌની અંદરથી ગુસ્સો બહાર કાઢશે અને સૌને કોંગ્રેસની સાથે જોડશે.
રાહુલ ગાંધીએ બપોરે એક વાગ્યે અને 45 મિનિટે ફરીથી લોકસભાની કાર્યવાહી શરૂ થતા રાહુલ ગાંધીએ પોતાનું સંબોધન ફરીથી શરૂ કર્યું હતું. જેમા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને અલગ પ્રકારના રાજનેતા ગણાવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસ પોતાને સત્તા અને વિપક્ષમાં જોઈ શકે છે. પરંતુ વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ ખુદને સત્તાની બહાર જોઈ શકે તેમ નથી. આ બંને નેતાઓમાં ડર છે અને તેને કારણે તેમનામાં ગુસ્સો પણ છે. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે હમણા તેઓ બહાર ગયા અને તમારા જ સાંસદે તેમને કહ્યુ કે તેઓ ઘણું સારું બોલ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે અકાલીદળના મહિલા નેતા સ્મિત કરતા દેખાઈ રહ્યા હતા. આ ફીલિંગ આખા દેશમાં છે. આખેઆખું વિપક્ષ અને તમારા લોકો સાથે મળીને વડાપ્રધાન મોદીને હરાવવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ અકાલીદળના સાંસદ હરસિમરત કૌર તરફ પોતાના સંબોધનમાં સંકેત કર્યો હતો.