લગ્ન કરી વિદેશ જવું આ યુવતીને બરાબરનું ભારે પડ્યું.
લગ્ન કરીને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ગયેલી મોટા વરાછાની યુવતીનું જીવન દોજખરૂપ બની ગયું છે. પતિ નોનવેજ તેમજ દારૂનો નશો કરી 25 લાખનું દહેજ માંગવા સાથે ચારિત્ર્ય પર શંકા કરી અત્યાચાર પણ ગુજારતો હતો. પરિણીતા સાથે છૂટાછેડા લઇ પતિ અન્ય યુવતી સાથે લિવ ઇનમાં રહેવાનું પ્લાનિંગ પણ કરતો હતો. પરિણીતાની ફરિયાદના આધારે મહિલા પોલીસે પતિ સહિતના 11 જણા સામે ગુનો નોંધ્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મોટા વરાછામાં રહેતા 27 વર્ષીય અંકિતાબેનના લગ્ન ફેબ્રુઆરી 2016માં ઘનશ્યામ ગોવિંદભાઇ રામાણી (રહે. ઇટવાયા, ગીર ગઢડા, ગીર સોમનાથ) સાથે સમાજના રીતિરિવાજ મુજબ કરવામાં આવ્યા હતા. પતિ ઘનશ્યામ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહે છે અને ત્યાં જોબ કરે છે.
લગ્નના થોડા જ દિવસો બાદ પતિ મેલબોર્ન ચાલ્યો ગયો હતો. જેના થોડા સમય બાદ તેને અંકિતાને વિઝિટિંગ વિઝા પર મેલબોર્ન બોલાવી લીધી હતી. અહીં અંકિતાને પતિ નોનવેજ ખાવા સાથે દારૂનો નશો કરતો હોવાની જાણ થઇ હતી. આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઝઘડા પણ થયા હતા. પતિ ઘનશ્યામ વારંવાર અંકિતાબેન સાથે બેહૂદું વર્તન કરી અપમાનિત કરતો હતો. બહાર લઇ જાય તો તેણીને એકલી મૂકી ચાલ્યો જતો હતો અને દારૂના નશામાં ચારિત્ર પર શંકા કરી મારપીટ પણ કરતો હતો.
વિઝિટર વિઝાને બદલે કાયમી વિઝાના મુદ્દે પણ એલફેલ બોલી અપમાનિત કરતો હતો. આ ઉપરાંત 25 લાખનું દહેજ માંગીને પણ ત્રાસ ગુજારતો હતો. ઝઘડા બાદ ઓસ્ટ્રેલિયાથી ગિર ગઢડા સ્થિત સાસરીમાં ગઇ તો અહીં પણ સાસરિયાએ ટોર્ચરિંગ કર્યુ હતું. પતિ તેણીને છૂટાછેડા આપી અન્ય યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવાની તૈયારી કરી રહ્યો હોવાની જાણકારી મળતા આખરે પરિણીતાએ ન્યાય માટે પોલીસનું શરણું લીધું છે.
મહિલા પોલીસે અંકિતાબેનની ફરિયાદના આધારે પતિ ઘનશ્યામ, દાદા સસરા પ્રેમજીભાઇ વલ્લભભાઇ, દાદી સાસુ શાંતાબેન, સાસુ પ્રભાબેન, કાકા સસરા શિવલાલભાઇ, કાકી સાસુ ભાવનાબેન, નણંદ કોમલબેન, પ્રેજશકુમાર, આરતી વઘાસિયા, દેવજી પડસાળા અને અશોક જાગાણી સામે ગુનો નોંધી તપાસ આદરી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.