પાટણ જિલ્લાના બોરસણ ગામે બહેન સાથે આડા સબંધોના વહેમ રાખી ભાઈએ ગામના 28 વર્ષીય મિત્રના ગળા અને છાતીના ભાગે છરીના નવ ઘા મારી કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી હતી.મૃતકના પિતાની ફરિયાદ આધારે પોલીસે આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી.
બહેન સાથે આડાસંબંધના વહેમમાં મિત્રએ મિત્રનું ઢીમ ઢાળી દીધું હતુ. બોરસણ ગામે રહેતા પ્રકાશભાઈ વીરાભાઇ સેનમાં રામનગર ખાતે આવેલ ઘેટાં ફાર્મમાં મજુર તરીકે નોકરી કરતા હતા. રવિવારના રોજ રજા હોય તેઓ ગામમાં જ હતા ત્યારે રાત્રીના સમયે ગામમાં જવાના રસ્તા પર ફરતા હતા તે સમયે તેમનો મિત્ર મકવાણા જીગરભાઈ દેવાભાઇ પેશાબ કરવાના બહાને એકાંતમાં લઇ ગયો હતો અને છેતરીને તેમના ગળા સહીત ખભા અને છાતીના ભાગ પર ઘા મારી રસ્તાનાં ખાડામાં ફેંકીને ફરાર થઇ ગયો હતો.
કણસતા પ્રકાશભાઇને તેમનો ભાણેજ જોઈ જતા પરિવારને જાણ કરતાં પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે પાટણ ખસેડાઇ રહયા હતા. તે દરમ્યાન રસ્તામાં મોત થયુ હતું.
ઘટનાને પગલે મૃતકના પિતા વીરાભાઇ મગનભાઈએ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહને પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અને તેના પિતાની ફરિયાદ આધારે આરોપી જીગર મકવાણાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.