શહેરમાં પાર્કિંગ સામે ચાલી રહેલી ઝુંબેશ અવિરત ચાલી રહી છે. જે અંર્તગત એસ્ટેટ શાખા દ્વારા મેઘાણીનગરમાં અસારવા બેઠકથી જીતેલા ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારની ઓફિસ બહારનું ગેરકાયદેસરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. મ્યુનિ. કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં આજે મેઘાણીનગર, ઢાલગરવાડ, પ્રહલાહનગર ગાર્ડન જેવા વિસ્તારોના દબાણોને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે.
ગઈકાલે સરખેજમાં 54 ગેરકાયદે પાકા બાંધકામો તોડાયા
રવિવારે રજાના દિવસે પણ કોર્પોરેશેન પોતાની કાર્યવાહી ચાલી રાખી હતી અને સરખેજમાં 54 ગેરકાયદે પાકા બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. કોર્પોરેશને સરખેજ, શાંતિપુરા સર્કલ અને સરખેજ વોર્ડના દબાણોને દૂર કર્યા હતા. આ ઉપરાંત રસ્તા પર રખડતા ઢોરોના ત્રાસને કારણે સીએનસીડી વિભાગ દ્વારા પૂર્વ અને દક્ષિણ ઝોનના વિસ્તારોમાંથી કુલ 93 ઢોરોને પકડવામાં આવ્યા હતા.
ઉત્તર ઝોનમાં 202 દબાણો દૂર થયા
ગઈકાલે ઉત્તર ઝોનમાં મ્યુનિ. એસ્ટેટ વિભાગે પોલીસ બંદોબસ્ત મેળવી ઠક્કરનગર વોર્ડના ચમકચૂનાથી લઇ ઠક્કરનગર બ્રીજ એપ્રોચ રોડ અને સૈજપુર વોર્ડના હીરાવાડી ચાર રસ્તાથી કૃષ્ણનગર ચાર રસ્તા તરફના જાહેર રોડ પર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેની કામગીરી દરમિયાન 10 કાચા-પાકા બાંધકામો, 32 કોમર્શિયલ શેડ, 118 ઓટલાના તેમજ અન્ય માલ સામાનના 42 નંગ દૂર કરી કુલ 202 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઠક્કરનગર, વસ્ત્રાલ, ગુલબાઇ ટેકરા, કાલુપુર, ઓઢવ, બાપુનગર જેવા વિસ્તારોમાંથી ઢોર પકડવામાં આવ્યા હતા.