Accident
ઝઘડિયાના ગુમાનદેવ હનુમાનજી મંદિર પાસે એક અજાણ્યા વાહન ચાલકે ચાર લોકોને અડફેટે (Accident) લેતા ત્રણ મહિલાઓનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. તેમજ એક પુરુષની હાલત ગંભીર છે. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ઝઘડિયાના ગુમાનદેવ હનુમાનજી મંદિરના રોડ પર શાકભાજી માર્કેટ ભરાય છે. જ્યાં ઉંચેડિયા ગામની મહિલાઓ શાકભાજી વેચવાનો વ્યવસાય કરે છે. ત્યારે વહેલી સવારે એક અજાણ્યા વાહને શાકભાજી વેચતી મહિલાઓને અડફેટે લીધી હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ત્રણ મહિલાઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. સાથે જ એક પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. અકસ્માત બાદ પોલીસ પણ દોડતી થઈ હતી.
આ પણ જુઓ : મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં જમીન ખરીદી શકાશે
અકસ્માત સ્થળે ગુમાનદેવ મંદિરની બહાર સીસીટીવી કેમેરા લાગ્યા હતા. સ્થાનિકોએ મંદિરના મહારાજને સીસીટીવી બતાવવા માંગણી કરી પરંતુ મહારાજે લોકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી સીસીટીવી બતાવવાની ના પાડી હતી. મંદિરના સીસીટીવી કેમેરા ચાલતા ન હોવાનું મહારાજે જણાવતા લોકોનું ટોળુ ઉશ્કેરાતા મહારાજને લોકોએ માર માર્યો હતો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.